સુરતમાં ચોકલેટ આપવાની લાલચ આપી નરાધમ બાળકીને અવાવરું જગ્યાએ લઈ ગયો, પોલીસે દબોચી લીધો
અમિત રૂપાપરા, સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવી વધુ એક ઘટના સુરતના વેસુ વિસ્તારમાં સામે આવી છે. વેસુ વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે એક નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ નરાધમે ચોકલેટ આપવાની લાલચે માસુમ બાળકીને અવાવરું જગ્યા પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક મહિલાની સતર્કતાના કારણે આ બાળકી પિંખાતા બચી ગઇ હતી. આ સમગ્ર મામલે વેસુ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલાએ બુમાબૂમ કરી
સુરતના વેસુ વિસ્તારમાં 22 ડિસેમ્બરના રોજ બપોરે 1 વાગ્યા આસપાસ 8 વર્ષની બાળકી તેના ઘર નજીક રમી રહી હતી. તે સમયે શેલાવ યાદવ નામના નરાધમની નજર આ બાળકી પર પડી હતી. આ બાળકી સાથે દુષ્કૃત્ય કરવાના ઇરાદે 48 વર્ષના સેલાબ યાદવે બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને એપાર્ટમેન્ટના દાદરની અવાવરૂ જગ્યા પર લઈ ગયો હતો. ત્યારબાદ પોતે બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો. આ સમયે એક મહિલાની નજર આ નરાધમ પર પડી હોવાના કારણે આ મહિલાએ બુમાબૂમ કરી હતી.
આ પણ વાંચો:PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP
દસ વર્ષથી પથ્થર ઘસવાનું કામ
મહિલાની બૂમા બૂમ સાંભળીને લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. મહિલાની બૂમાબૂમો સાંભળીને 48 વર્ષનો નરાધમ શેલાબ યાદવ ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો અને મહિલાના સતર્કતાના કારણે 8 વર્ષની બાળકી પિંખાતા બચી ગઈ હતી. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના પગલે બાળકીના માતા-પિતા દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે વેસુ પોલીસ દ્વારા બાળકી સાથે અડપલા કરનાર શેલાબની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપી શેલાબ મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે. પરંતુ છેલ્લા 30 વર્ષથી સુરતમાં રહે છે અને દસ વર્ષથી પથ્થર ઘસવાનું કામ કરે છે.