October 30, 2024

વાવ બેઠકની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ત્રિપાંખીયો જંગ જામશે

બનાસકાંઠાઃ વાવ બેઠકની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે પાંચ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા અને 10 ઉમેદવારો વચ્ચે હવે જંગ જામશે.

વાવ પેટાચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ચિહ્ન સામે આવ્યા છે. જેમાં અપક્ષ માવજી પટેલને બેટનું નિશાન મળ્યું છે. કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ વચ્ચે જામશે ત્રિપાખીયો જંગ જામશે. 2 અપક્ષ મહિલા ઉમેદવારોએ માવજી પટેલને સમર્થન જાહેર કર્યુ છે. મંજુબેન રાઠોડ, લક્ષ્મીબેન ઠાકોરે માવજી પટેલને સમર્થન આપ્યું છે. બંને મહિલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી નથી. BJP, કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

વાવ બેઠકનો ઇતિહાસ
વાવ વિધાનસભામાં વાવ, ભાભર અને સુઈગામ એમ કુલ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 1985થી અત્યારસુધી 37 વર્ષનો રાજકીય ઈતિહાસ જોઇએ તો વાવ વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર 1985માં કોંગ્રેસના પરબત પટેલની જીત થઇ હતી. 1990માં જનતાદળના માવજી પટેલની જીત થઇ હતી. 1998માં કોંગ્રેસના હેમાજી રાજપૂતની જીત થઇ હતી. 2007માં ભાજપના પરબત પટેલનો વિજય થયો હતો. 2012માં શંકર ચૌધરી અને 2017 તેમજ 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. આમ, વાવ બેઠક પર ત્રણવાર કોંગ્રેસ, એકવાર જનતા દળ અને બેવાર ભાજપે જીત મેળવેલી છે.