July 2, 2024

મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર માટે પડાપડી, એક જ રાતમાં 300 સ્મશાન યાત્રા આવી!

વારાણસીઃ શહેરમાં આવેલા મણિકર્ણિકા ઘાટની સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર માટે ચક્કાજામની સ્થિતિ છે. ઘાટથી લઈને શેરીઓમાં અંતિમયાત્રાની ભીડ જોવા મળે છે. ત્રણ દિવસમાં તાપમાનમાં વધારો થયા બાદ અંતિમ સંસ્કાર માટે આવતા લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. ગુરુવારે મધ્યરાત્રિએ અંતિમયાત્રાની ભીડ એટલી હદે વધી ગઈ હતી કે ઘાટમાંથી લાકડા અને પૂજા સામગ્રીની પણ અછત પડવા લાગી હતી. ગઈકાલે રાત્રે ત્રણસોથી વધુ મૃતદેહો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

શુક્રવારે બપોર સુધી મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર માટે સતત કતારો જોવા મળી હતી. તાપમાનમાં રેકોર્ડ વધારો થયા બાદ ગઈકાલે રાત્રે મણિકર્ણિકા ઘાટ પર સ્મશાન કરનારાઓની લાંબી લાઈનો લાગી હતી. સ્થિતિ એવી બની કે, મૈદાગીનની સાથે ભેંસાસુર ઘાટથી મણિકર્ણિકા સુધી માત્ર અંતિમયાત્રા જ દેખાતી હતી.

ઓછી જગ્યા અને વધુ ભીડના કારણે મૃતદેહને બાળવા માટે પાંચથી છ કલાક રાહ જોવી પડી હતી અને બીજી બાજુથી સ્મશાનયાત્રાનો અવિરત પ્રવાહ ચાલુ હતો. સ્મશાન નાથ સેવા સમિતિના સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે, વધતી ભીડને કારણે પ્રથમ વખત મૃતદેહોને મણિકર્ણિકા ઘાટથી હરિશ્ચંદ્ર ઘાટ મોકલવામાં આવ્યા હતા.

મહાસ્મશાન નાથ સેવા સમિતિના મહાસચિવ બિહારી લાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વધતી ગરમીને કારણે છેલ્લા બે દિવસમાં અંતિમ સંસ્કાર માટે ભીડ અચાનક વધી ગઈ હતી. છેલ્લી રાત્રે ભીડ અણધારી બની હતી. દર બે મિનિટે મણિકર્ણિકા ઘાટ તરફ જતી ગલીમાંથી અંતિમયાત્રા પસાર થતી હતી.

ઘાટ પર રહેતા ત્રિલોક નાથ ભૈરવે કહ્યું કે, સામાન્ય દિવસોમાં અંતિમયાત્રાની સંખ્યા 50થી 60 હોય છે, પરંતુ ગઈકાલે રાત્રે ત્રણસોથી વધુ અંતિમયાત્રા ઘાટ પર પહોંચી હતી. સામાન્ય દિવસો કરતાં આ સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે. વધતા તાપમાનના કારણે આસપાસના જિલ્લાઓમાં પણ મૃત્યુઆંક વધ્યો છે. ડોમ રાજા ઓમ ચૌધરીએ કહ્યું કે, કોરોના પીરિયડ પછી આ પહેલીવાર છે જ્યારે સ્મશાનમાં અંતિમયાત્રાની ભીડ અચાનક આટલી વધી ગઈ છે.