June 30, 2024

Vapiના BJP બૂથ પ્રમુખની પૈસાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા

હેરાતસિંહ રાઠોડ, વાપી: વાપીના બીજેપી બૂથ પ્રમુખની રૂપિયાની લેતીદેતીમાં ચપ્પુથી ગળુ કાપી હત્યા કરાઇ હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પારડીના વાઘછીપામાં હત્યા કરી આરોપી લાશને કારની ડિકીમાં મુકી 6 કલાક ફરતો રહ્યો અને વાપી રેલવે ફાટક નજીક ફેંકી ગયો હતો. એલસીબી અને વાપી ટાઉન પોલીસે કેળાના વેપારીની ધરપકડ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

વાપી દેસાઈવાડ ખાતે એકધારા એપાર્ટમેન્ટમાં રહેતા 51 વર્ષીય રામબિહારી જીતુ ભારદ્વાજની લાશ 3 જૂને વાપી જકાતનાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા ટાઉન પોલીસે લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. પીએમ રિપોર્ટમાં ગળાની નળીમાં થયેલ ઈજા અને હેમરેજ થવાના કારણે મોત થયું હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તે દિશામાં તપાસ હાથ ધરી હતી. બનાવની ગંભીરતાને લઈ જિલ્લા LCBની ટીમ અને વાપી ટાઉન પોલીસની ટીમ સાથે સઘન તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ એનાલીસીસના આધારે જાણવા મળ્યુ હતું કે, મરનારનો મિત્ર રાજેશ ઉર્ફે બબલુ મંગલા યાદવ રહે. વાપી વાસ્તવ પાર્ક બંગલા નંબર 61 નાઓ સાથે પૈસાની લેતીદેતીમાં ઝઘડો થતાં તેણે જ ચપ્પુ વડે ગળુ કાપી મૃતકની હત્યા કરી લાશ જકાતનાકા પાસે ફેંકી ગયો હતો.

આ પણ વાંચો: પાલનપુર કોટ વિસ્તારમાં રોગચાળો વકર્યો, સ્થાનિકોના મતે 4 લોકોના મોત!

શું હતો ઘટનાક્રમ
2 જૂનથી મૃતક અને આરોપી કારમાં વડખંભા ખાતે આરોપીના કેરીના મંડપ પર જતા બંને વચ્ચે પૈસાને લઇ બોલાચાલી થઈ હતી. જે બાદ તેઓ વાઘછીપા ખાતે મેહુલ પટેલની વાડીમાં કેળાની ખેતી ભાડે લેવા પેમેન્ટ કરવા ગયા હતા. જ્યાં કોઈ હાજર ન હોય એકલતાનો લાભ લઇ રામબિહારી પર ચપ્પુથી હુમલો કરાયો હતો. વાઘછીપામાં રામબિહારીના ગળે ચપ્પુ મારી હત્યા કરી હતી. જે બાદ લાશને કારની ડેકીમાં રાખી ઠેકાણે લગાવવા તે ફરી રહ્યો હતો. રાત્રે 8.30 કલાકે વાપી જકાતનાકા પાસે પહોંચતા તે વિસ્તાર સુમસામ હોવાથી લાશને રેલવેના ગટરમાં ફેંકી તે ફરાર થઈ ગયો હતો.

આરોપી બબલુ યાદવે પોલીસ ધરપકડ બાદ જણાવ્યું કે, મૃતક રામબિહારી પાસેથી વીસીના 8 લાખ અને સહારા ઇન્ડિયાના 8 લાખ મળી કુલ 16 લાખ લેવાના હોય તેની માંગણી કરતા મૃતકે ગાળ આપી હતી. જેને લઈ બંને વચ્ચે ઝઘડો થતાં મોઢા પર માર મારી, ચપ્પુથી ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી. હાલમાં પોલીસે આરોપી બબલુ યાદવની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.