વાપી મનપા દ્વારા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર એક્શન, 140ને નોટિસ ફટકારી

હેરાતસિંહ, વાપીઃ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર હવે એક્શન લેવામાં આવશે. છીરી ડુંગરા ડુંગરી ફળિયા તથા અન્ય વિસ્તારો ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો પર આવનારા સમયમાં મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળશે.

વાપી મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનર દ્વારા ગેરકાયદેસર ગોડાઉનો સામે લાલ આંખ કરી છે. 240થી વધુ ગેરકાયદેસર ગોડાઉનને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે જ રેસિડેન્સિયલ વિસ્તારમાં ચાલતા આ પ્રકારના ગોડાઉનને સ્વૈચ્છિક રીતે ખાલી કરવાની નોટિસ આપી છે.

વાપીના છીરી ડુંગરા ડુંગરી ફળિયા ચલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારના ગોડાઉનોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ વિસ્તારોમાં સતત આગ લાગવાના બનાવો પણ બનતા હતા. જેને લઈને રેસિડેન્સિયલ ઝોનમાં પણ ગેરકાયદેસર રીતે આ પ્રકારના ગોડાઉનો ધમધમી રહ્યા હતા. આ સમગ્ર બાબતને લઈને મહાનગરપાલિકા દ્વારા જીપીસીબી પોલીસ અને સ્થાનિક તંત્રને સાથે રાખીને આ પ્રકારના ગોડાઉનો કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

કેમિકલ, ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ જેવા સંવેદનશીલ ઉદ્યોગો અહીં આવેલા હોવાથી તેમાંથી નીકળતા જ્વલનશીલ કેમિકલના ખાલી બેરલ, પ્લાસ્ટિકની બેગ અને અન્ય ભંગાર ખુલ્લામાં રાખવામાં આવતા વારંવાર આગ લાગવાના બનાવ બને છે. તેને લઈને પ્રથમ 240 જેટલી નોટિસ આપવામાં આવી હતી. જેમાં ઘણા લોકોએ સ્વૈચ્છિક રીતે આ ગોડાઉન દૂર કરવા અંગેનું એફિડેવિડ પણ કરી આપ્યું છે.

ત્યારબાદ હવે 140 ફાઇનલ નોટિસ આ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનવાળાઓને આપવામાં આવી છે. આ નોટિસના એક મહિના બાદ તમામ ગેરકાયદેસર ભંગારના ગોડાઉન ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળશે. આગામી દિવસોમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર મહાનગરપાલિકાની લગામ લાગશે તેવું કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.