વલસાડ પોલીસની મોટી કાર્યવાહી, તમિલનાડુની આંતરરાજ્ય ચોરી કરતી ત્રિચી ગેંગના 10 આરોપીની ધરપકડ

હેરાતસિંહ, વલસાડઃ જિલ્લા પોલીસે ગુનાઓની દુનિયામાં કુખ્યાત એવી તમિલનાડુની આંતરરાજ્ય ત્રિચિ નાયડુ ગેંગને દબોચી લીધી છે. આ ગેંગ કારના કાચ તોડી અને અંદરથી ચોરી અને ચીલ ઝડપ કરી ફરાર થઈ જતી હતી. અત્યાર સુધી આ ગેંગે દેશના લગભગ મોટાભાગના રાજ્યો અને ગુજરાતના લગભગ અનેક જિલ્લાઓમાં ગુનાઓને અંજામ આપી દેશના અનેક રાજ્યોની પોલીસને દોડતી કરી હતી. વલસાડ જિલ્લા પોલીસની અત્યાર સુધીની તપાસમાં આ ગેંગે આચરેલા 20થી વધુ ગુનાઓના ભેદ ઉકેલ્યા છે.

વલસાડ શહેરના છીપવાડ ગરનાળા નજીક ગઈ 15મી ફેબ્રુઆરીએ એક વેપારીની કારના કાચ તોડી અંદરથી 11.50 લાખની રોકડ રકમ અને લેપટોપની ચોરી થઈ હતી. લાખોની ચોરીની ઘટના બનતા વલસાડ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી અને ચોરી કરનારી ગેંગને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. વેપારી છીપવાડ વિસ્તારમાં કારને પાર્ક કરી હતી. આ કારમાં તેમણે 11.50 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ રાખી હતી. આ સાથે કારમાં એક લેપટોપ પણ મૂકી રાખ્યું હતું.

આ દરમિયાન તેમનું કામ પતાવી કાર નજીક આવતા જ તેમની કારમાંથી લાખોની ચોરી થઈ હોવાનું બહાર આવતા હતા. તેમણે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગુનાનો ભેદ ઉકેલવા તમામ દિશામાં તપાસ શરૂ કરી હતી. આ બનાવની જગ્યા અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની સાથે અન્ય ટેક્નિકલ એનાલિસિસ અને બાતમીદારોના નેટવર્ક સક્રિય કરતા ગણતરીના સમયમાં જ તેમને સફળતા મળી અને બે મહિલા સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

આ 10 આરોપીઓની ધરપકડઃ
1. શિવા તોટીનાયકા
2. વિગ્નેશ નાયડુ
3. શક્તિ નાયડુ
4. પ્રદીપ નાયડુ
5. કન્નમાં નાયડુ
6. વ્યંકટેશ નાયડુ
7. કિરણ તોટીનાયકા
8. સીની નાયડુ
9. ચંદ્ર નાયડુ
10. રુક્મણિ નાયડુ

આ ગેંગની માસ્ટર માઇન્ડ એક મહિલા હોવાનો ખુલાસો થયો છે. કન્નડમાં નાયડુ આ ગેંગ ચલાવતી હતી. દેશમાં જ્યાં પણ મોટા મેળા કે મેળાવડા થાય તેવી ભીડભાડવાળી જગ્યાઓ પર આ ગેન્ગના સાગરીતો ઉતરી પડતા હતા.

શું હતી મોડસ ઓપરેન્ડી?
વલસાડ જિલ્લા પોલીસના હાથે ઝડપાયેલી આ ગેંગ મૂળ તમિલનાડુની છે. જે ગુનાઓની દુનિયામાં ત્રિચી નાયડુ ગેંગના તરીકે કુખ્યાત છે. જેઓ મુખ્યત્વે કારના કાચ તોડી અને તેમાંથી ચોરી કરવાની સાથે ભીડમાં ચોરી કરી અને ગુનાઓને અંજામ આપતા હતા. આ ગેંગના સાગરીતો મૂળ તમિલનાડુના છે. જો કે, આવા ગુનાઓને અંજામ આપવામાં ગેંગ કોઈ શહેરના વિસ્તારોમાં છેવાડાના વિસ્તારોમાં પડાવ નાંખતી હતી.

શરૂઆતમાં ચાલીઓ કે નાની રૂમ ભાડે રાખી અને ગેંગના એક બે સભ્યો આ રૂમમાં રહેતા હતા. ત્યારબાદ અન્ય સાગરિતોને પણ ત્યાં બોલાવી અને દિવસ દરમિયાન શહેરના જે તે ભીડવાળા વિસ્તારો અને મહત્વના સ્થળો પર રેકી કરતા હતા. જ્યારે પણ મોકો મળે ત્યારે ચોરી કરી અને ફરાર થઈ જતા હતા. મુખ્યત્વે આ ગેંગ કારના કાચ તોડી અને ચોરી કરવામાં માસ્ટર હતી. આ સાથે જ મેળાઓ અને ભીડમાં પણ તેઓ ચોરીની ઘટનાઓને અંજામ આપી રિક્ષાઓમાં જ અલગ અલગ રીતે ફરાર થઈ જતા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાન, ઘડિયાળો અને મોબાઈલ મળી 5 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં પણ સફળતા મળી છે.

તમિલનાડુની આ ત્રિચી નાયડુ ગેંગના કારનામાઓને કારણે દેશભરના અનેક રાજ્યોની પોલીસ પરેશાન હતી અને એકપછી એક ગંભીર ગુનાઓને અંજામ આપી આ ગેંગ ફરાર થઈ જતી હતી. જો કે, આ ગેંગમાં સાગરીતોમાં મોટેભાગે એક જ પરિવારના સગાવાલા અને સભ્યો હતા. આ સાથે જ પરિચિતો પણ આ ગેંગના સામેલ હતા. આ ગેંગમાં પુરુષોની સાથે મહિલાઓ પણ ગુનાઓને અંજામ આપતી હોવાનું પણ બહાર આવ્યું છે. ત્રિચી નાયડુ ગેંગે અત્યાર સુધી દેશના લગભગ મોટાભાગના રાજ્યોમાં આવી ઘટનાઓને અંજામ આપ્યો હતો . જો કે, વલસાડ જિલ્લા પોલીસે આ ગેંગને દબોચી 20થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. હજુ પણ આગામી સમયમાં આ ગેંગે આચરેલા અને ગુનાઓના ભેદ ઉકેલવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે.