પારડી નજીક નેશનલ હાઇવે પર ટ્રક ભડકે બળ્યો, ચાલકનો ચમત્કારિક બચાવ

વલસાડઃ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે 48 પર ચાલતા ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રકચાલકે સાઇડમાં ઊભી રાખતા જોતજોતામાં જ ટ્રક આગની ચપેટમાં આવ્યો હતો. ટ્રકમાં જ્વલનશીલ ઓઇલ અને કેમિકલ ભરેલા બેરલો હતા.

બેરલમાં આગ લગતા આગ ભડકે બળતા નેશનલ હાઇવે 48 અડધો કલાક બંધ થયો હતો. પારડી અને વલસાડ પાલિકાની ફાયર ટીમે અડધો કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. ત્યારે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક કંટ્રોલ કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મુંબઈના ભીંવડીથી ટ્રક દહેજ તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. શોર્ટસર્કિટ થતા ટ્રકમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.