June 28, 2024

કપરાડાના જીરવલ ગામે વીજ વિભાગના અધિકારીઓ ટાંકીનું પાણી ન વાપરવા દેતા હોવાનો આક્ષેપ

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકામાં બનેલી અસ્ટોલ જૂથ પાણી પૂરવઠા યોજના હાલ માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. કપરાડા તાલુકાના જીરવલ ગામે ત્રણથી ચાર જેટલા ફળિયામાં પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક કૂવો છે. તે કૂવો પણ સુકાઈ જતા ગામ લોકો કુવાનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની પાણીની ટાંકી હોવા છતાં ગામ લોકોને પાણી નથી મળતું.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જીરવલ ગામે પીવાના પાણીની ભારે તંગી સર્જાય છે. જીરવલ ગામના બરડા ફળિયામાં અસટોલ જૂથ પાણી પૂરવઠાની પાણીની ટાંકી હોવા છતાં ગામ લોકોને પીવાનું પાણી મળતું નથી. બરડા ફળિયા સહિત આજુબાજુના ત્રણથી ચાર જેટલા ફળિયામાં મોટાભાગના ઘરોમાં નળ સે જળના કનેક્શન હજુ લાગ્યા નથી. તો કેટલાક ઘરોમાં વરસાદી પાણી વાસ્મો દ્વારા બનાવવામાં આવેલી ટાંકીમાં ગામ લોકો ભરી રાખતા હોય છે અને એ પાણી વાપરતા હોય છે. બીજી તરફ ત્રણથી ચાર જેટલા ફળિયામાં પાણીનો સ્ત્રોત એકમાત્ર કૂવો છે, જેનું પાણી ઉનાળામાં સૂકાઈ જતા કૂવામાં ગંદુ પાણી ભેગું થયું છે. કૂવાની અંદર પથ્થરમાંથી ટપકતું પાણી કૂવામાં ભેગું થાય છે. ગંદુ પાણી ભરીને તેઓ ત્રણથી ચાર દિવસ સુધી ઘરમાં રાખી તેને ગરમ કરી અને તેને છાંણીને આ પાણી પીવાથી મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ સુરત-ધુલિયા હાઇવે પર ગમખ્વાર અકસ્માત; 3 મોત, 7 ઇજાગ્રસ્ત

જીરવલ ગામના બરડા ફળિયા સહિત આજુબાજુના ત્રણથી ચાર જેટલા ફળિયા અંદાજિત એક હજારથી પંદરસો જેટલા લોકો માત્ર એક કૂવાના પાણી પર નભે છે અને એ કૂવાનું પાણી પણ ઉનાળો આવતા સૂકાઈ જવાથી ગામ લોકો પાણી માટે તરસ્યા છે. ડુંગરની કોતર બેથી ત્રણ કિલોમીટર ચાલીને કૂવામાં પાણી ભરવા જતા છતાં પાણી ન મળતા ગામ લોકો કૂવામાંથી ગંદુ પાણી લઈ પોતાના ઘર વપરાશ તેમજ પીવા માટે પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. ગામ લોકોનું કહેવું છે કે, ગામમાં અસ્ટોલ જૂથ પાણી યોજનાની ટાંકી બની છે. જેમાં દસ પંદર દિવસ પાણી આવે છે અને એ પાણી પણ ગામની અંદર ચાલતા વીજ વિભાગના કન્સ્ટ્રક્શનમાં વપરાય છે. વીજ વિભાગના કોન્ટ્રાક્ટરો ગામ લોકોને આ પાણી વાપરવા દેતા નથી, તેવા પણ આક્ષેપ ગામલોકોએ કર્યા છે.

આ પણ વાંચોઃ હિટવેવથી મોતના આંકડા વધ્યાં, સુરત સ્મશાન ગૃહમાં દરરોજ 18નાં અંતિમ સંસ્કાર

ત્યારે જીરવલ ગામે જ પાણીનો મોટો સમ્પ હોવા છતાં ગામ લોકો પાણી માટે તરસી રહ્યા છે. જીવનના બરડા ફળિયા તેમજ આજુબાજુના ત્રણથી ચાર જેટલા ફળિયાના લોકો પીવાના પાણી માટે તરસતા અતુલ જૂથ પાણી યોજનાના અધિકારીઓ તેમજ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ સરકાર સુધી તેમનો અવાજ પહોંચે અને પીવાના પાણીની સગવડ થાય એવી માગ કરી રહ્યા છે.