યુવાધનને નશાના રવાડે ચડાવવાનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ
અંકુર પટેલ, વલસાડઃ જિલ્લામાં નશાના સોદાગરો દ્વારા યુવાધનને બરબાદ કરી નશાના રવાડે ચઢાવાના કાવતરાને વલસાડ જિલ્લા SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે તેમણે બે આરોપીની ધરપકડ કરી છે. આ આખો કારોબાર કેવી રીતે ચાલતો હતો તેની તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાના અતુલ પાસે એક પાનના ગલ્લાની આડમાં પ્રતિબંધક કફ સિરપનું ખુલ્લેઆમ વેચાણ કરતો હોવાની બાતમી વલસાડ SOGની ટીમને મળી હતી. વલસાડ SOGની ટીમે અતુલ બ્રિજ પાસે આવેલા પાનના ગલ્લાની તપાસ કરતા પ્રતિબંધક કફ સિરપનું વેચાણ કરતા સંચાલકને ઝડપી પાડયો હતો. વલસાડ SOGની ટીમે પાનના ગલ્લાનાં સંચાલકના ઘરેથી પણ પ્રતિબંધક કફ સિરપની 100 MLની 115 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પાનના ગલ્લાનાં સંચાલકને કફ સિરપના જથ્થા સાથે ઝડપી કેસમાં સંડોવાયેલા સુરતના એક ઇસમની SOGની ટીમે ગણતરીના કલાકોમાં શોધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ નર્મદાના ખેડૂતો માટે આફત, કેરી-પપૈયા સહિત કેળાનો પાક નષ્ટ થયો
વલસાડ SOGની ટીમે આરોપી પ્રેમચંદ વર્માની પ્રાથમિક પૂછપરછ કરતા નાશયુક્ત કફ સિરપની ખૂબ જ ડિમાન્ડ હોવાથી અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ વધુ કિંમત ચૂકવે છે. જેથી પ્રતિબંધક કફ સિરપ સુરતના દિનેશભાઇ બાંભણિયા પાસેથી ખરીદી લાવી અતુલ ખાતે છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. જેથી વલસાડ SOGની ટીમે દિનેશ બાંભણિયાને ઝડપી પાડવા ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ મેળવી હતી. સુરતમાં MR તરીકે નોકરી કરતા દિનેશ બાંભણિયાની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પ્રતિબંધક કફ સિરપનો જથ્થો અતુલ રહેતા પ્રેમચંદને આપ્યો હોવાની કબૂલાત કરતા વલસાડ SOGની ટીમે દિનેશ મગનભાઈ બાંભણિયાની NDPSના કેસમાં ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસને પાનના ગલ્લાવાળાના ઘરેથી કફ સિરપની બોટલનો કમર્સિયલ જથ્થો મળ્યો હતો. જેથી NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પાનના ગલ્લાવાળાના ફોનમાં ઘણા કોન્ટેક એવા મળ્યા છે, જે લોકો આ નશાના રવાડે ચડ્યા હતા, તે લોકો પાનના ગલ્લાવાળા પાસે કફ સિરપની ખરીદી કરી નશો કરતા હતા. હાલ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.