July 6, 2024

MSUમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત હટાવવાની ચર્ચા, જુઓ તમામ માહિતી

દર્શન ચૌધરી, વડોદરાઃ MSUમાં અનામત હટાવવા તજવીજ શરૂ થતા સ્થાનિક વિદ્યાર્થી અટવાશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ફેકલ્ટીઓમાં એફવાયમાં અને માસ્ટરના પહેલા વર્ષમાં પ્રવેશ માટે 70 ટકા જેટલી બેઠકો સ્થાનિક માટે અનામત રાખવામાં આવે છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ જેવી ફેકલ્ટીઓમાં એફવાયમાં અને માસ્ટરના પહેલા વર્ષમાં પ્રવેશ માટે 70 ટકા જેટલી બેઠકો સ્થાનિક માટે અનામત રાખવામાં આવે છે. ત્યારે હવે યુનિવર્સિટીમાં ચાલતી ચર્ચા પ્રમાણે યુનિવર્સિટી સત્તાધીશોએ સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત દૂર કરવાની હિલચાલ શરુ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ શિક્ષણ બોર્ડે એક-બે કરતાં વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આપી શકશે પૂરક પરીક્ષા

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થઈ ગયા છે અને આગામી દિવસોમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થવાનો છે. ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓની અનામતના મુદ્દાને લઈને યુનિવર્સિટી વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં વીસી દ્વારા બોલાવવામાં આવેલી ડીન્સ બેઠકના ઝીરો અવરમાં આર્ટસ, સાયન્સ અને કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં વર્ષોથી સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રખાતી બેઠકો કાઢી નાંખીને ગુજરાત તેમજ ગુજરાત બહારના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જેની સામે કેટલાક ડીન્સે અલગ અલગ પ્રકારના સૂચનો પણ કર્યા હતા. હવે કોમન એડમિશન સિસ્ટમ હેઠળ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના ફોર્મ એક જ પોર્ટલ પર ભરાઈ રહ્યા છે. ત્યારબાદ ફોર્મ સરકાર દ્વારા જે-તે યુનિવર્સિટીને મોકલવામાં આવશે.

કોમન એડમિશન સિસ્ટમને આગળ ધરીને સત્તાધીશો આ વર્ષથી સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો કાઢી નાંખશે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત કોમન એક્ટ લાગુ થયા બાદ આવો નિર્ણય લેવાય તો પણ તેની સામે વિરોધ થવાની કોઈ શક્યતા નથી. જો આવું થયું તો યુનિવર્સિટીની સ્થાપના બાદ વડોદરાના વિદ્યાર્થીઓને સૌથી મોટો અન્યાય થશે. જેની સામે વડોદરાના લોકો વિરોધ કરશે કે કેમ તે પણ શંકા છે. કારણ કે ગત વર્ષે કોમર્સ ફેકલ્ટીની FYની બેઠકો ઘટાડી દેવાયા બાદ પણ વડોદરામાંથી વિરોધનો એક સૂર ઉઠ્યો નહોતો. યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોએ કહ્યુ હતુ કે, સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની બેઠકો કાઢી નાંખવાનો કોઈ નિર્ણય હજી સુધી લેવાયો નથી. ચર્ચા તો ઘણી બધી થતી હોય છે. આ મુદ્દે યુનિવર્સિટી દ્વારા નહીં પણ જે તે ફેકલ્ટીના ડીન દ્વારા જ નિર્ણય લેવાશે. અત્યારની સ્થિતિ પ્રમાણે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.