વડોદરાના સાવલીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ; બેની ધરપકડ, ત્રણ ફરાર

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામે ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પતરાનો શેડ બનાવીને આરોપીઓ એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા. ત્યારે બાતમીને આધારે રેડ પાડવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે બાતમીને આધારે રેડ પાડી 3 કિલોથી વધુ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. તેની બજાર કિંમત અંદાજે 3.37 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છએ. ડ્રગ્સ બનાવવાની મશીનરી સાથે રો-મટિરિયલનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો છે.
પોલીસે આ મામલે મોકસી ગામના જગદીશ મહિડા સહિત ગોરવાના પ્રેમચંદ કુમાર મહંતોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં અન્ય લોકોના નામ સામે આવતા ત્રણ શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ કેટલા સમયથી ઉત્પાદન કરતા હતા અને મુખ્ય સૂત્રધારની વધુ તપાસ હાથ ધરી છે.