December 26, 2024

વડોદરામાં ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

વડોદરાઃ શહેરમાં કારચાલકે ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ કર્યો છે. સમા સર્કલ પાસે બપોરના સમયે આ ઘટના બની છે. જેમાં પૂરપાટ ઝડપે આવતી કાર પોલીસ જવાનને અડફેટે લઈને ફરાર થઈ જાય છે. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરમા સમા વિસ્તારમાં સર્કલ પાસે બપોરના સમયે પૂરપાટ ઝડપે આવતી કારને ટ્રાફિક જવાન રોકવા માટે પ્રયત્ન કરે છે. ત્યારે કારચાલક ટ્રાફિક જવાનને ટક્કર મારીને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે, કારચાલક સિગ્નલ તોડીને પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

કારચાલકે કાર રોકવાને બદલે ટ્રાફિક પોલીસ જવાનને ટક્કર મારી ફરાર થયો હતો. સમા પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં છે.

આ મામલે વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ જણાવ્યુ છે કે, ‘કારચાલકે ટ્રાફિક જવાનને અડફેટે લીધા છે. ત્યારે ટ્રાફિક જવાનને અનેક ઇજા પહોંચી છે, તેને પગલે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કારચાલકને પકડવા પોલીસે સીસીટીવીની તપાસ હાથ ધરી છે. વધુ પડતા અકસ્માતોને લઈ પોલીસ વધુ વ્યવસ્થા ગોઠવશે.’