MS યુનિવર્સિટીના VCનો મનસ્વી નિર્ણય, ચીફ ગેસ્ટ ન આવતા કોન્વોકેશન ટલ્લે ચડાવ્યું!
વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશોની વધુ એક બેદરકારી સામે આવી છે. વાઇસ ચાન્સેલર પ્રો.ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવનો વધુ એક મનસ્વી નિર્ણય સામે આવ્યો છે.
એમએસ યુનિવર્સિટીનું કૉન્વોકેશન ચીફ ગેસ્ટનાં સમયના અભાવે ટલ્લે ચડ્યું છે. ગોલ્ડ મેડાલિસ્ટ સહિત હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત રહી ગયા છે. ચીફ ગેસ્ટના નામના અન્ય વિકલ્પનો વિચાર કરવાને બદલે સત્તાધીશો પદવીદાન સમારોહના આયોજનમાં વિલંબ કરી રહ્યા છે.
સત્તાધીશો ચીફ ગેસ્ટ તરીકે કયા મહાનુભાવને આમંત્રિત કરવા માંગે છે તે પણ અસ્પષ્ટ છે. ત્યારે આ મામલે વીસીને પૂછતા તેમણે કહ્યુ કે, ‘થિંક પોઝિટિવ!’ ઉલ્લેખનીય છે કે, ગત જૂન મહિનામાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. પરિણામ જાહેર થયા બાદ પદવીદાન સમારોહની પ્રાથમિક તૈયારી પૂરી થઈ હતી. ડિગ્રી સમયસર એનાયત કરવામાં ના આવતા મેડિકલના વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે છે.