હરણી બોટ દુર્ઘટના, પોલીસે 58મા દિવસે 2819 પાનાંની ચાર્જશીટ રજૂ કરી

હરણી બોટ દુર્ઘટના - ફાઇલ તસવીર
વડોદરાઃ તાજેતરમાં શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં પિકનિક માટે આવેલા બાળકોની બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 12 બાળકો સહિત બે શિક્ષકોનાં મોત નીપજ્યા હતા. ત્યારે આ મામલે પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, પોલીસે દુર્ઘટના બાદ 58 દિવસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આરોપીઓના 124 પાના તેમજ પુરાવાના 2795 પાના રજૂ કરવામાં આવ્યા છે. આમ કુલ, 2819 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.
આ ચાર્જશીટમાં નિષ્ણાતો સહિત 433 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બોર્ટ દુર્ઘટનામાં પોલીસે 20 આરોપીઓની ધરપકડ કરી હતી. SITની ટીમે આ સમગ્ર કામગીરી પર નજર રાખી હતી.
શું હતી સમગ્ર ઘટના?
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં 18 જાન્યુઆરીએ આ કરુણ ઘટના સર્જાઈ હતી. જેમાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકો પિકનિક મનાવવા માટે આવ્યા હતા. ત્યારે તળાવની વચ્ચે બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 14 લોકોનાં મોત નીપજ્યા હતા. જેમાં બે શિક્ષક સહિત 12 બાળકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસમાં ઓવરવેઇટને કારણે બોટ પલટી ખાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત બોટિંગ દરમિયાન કોઈ સેફ્ટીના નિયમો પણ ફોલો કરવામાં આવતા નહોતા.