ડભોઈના સાંઠોદ ગામે પ્રાથમિક શાળામાં વિવાદ, બાળકો પાસે સાફસફાઈ કરાવતા વાલીઓમાં રોષ

દિપક જોશી, ડભોઈઃ તાલુકાના સાંઠોદ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા બાળકો પાસે સફાઈકામ કરાવતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. ડભોઈ તાલુકાની અન્ય શાળાઓમાં પણ બાળકો પાસે કચરો સાફ કરાવ્યો હતો. વારંવાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે, છતાં પણ તંત્ર કેમ જાગતું નથી.

બાળકો અભ્યાસ કરે કે, શાળામાં કચરો સાફ કરે તેમનું ભણતર પણ બગડી રહ્યું છે. વારંવાર આ પ્રકારની ઘટના છતાં પણ કોઈ અધિકારીઓ દ્વારા આવા શિક્ષકો પર પગલાં લેવાતા નથી. જેને લઈને દરેક શાળાઓમાં આ રીતે બાળકો પાસે સાફસફાઈ કરાવે છે. વહેલી તકે કોઈ નક્કર પગલાં લે તેવી વાલીઓની માગ અથવા પામી છે.

ડભોઇ તાલુકાના સાઠોદ ગામે સાઠોદ પ્રાથમિક શાળામાં આશરે 300 બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો દ્વારા શાળાના બાળકો પાસે શાળાનું કમ્પાઉન્ડ અને શાળામાં સફાઈ કરાવવાતી હોવાથી બાળકોનો અભ્યાસ બગડે છે. નાના ભૂલકાંઓના મગજ ઉપર વિકૃત અસર પડે છે. આ આક્ષેપ સાથે બાળકોના વાલીઓએ શાળા ખાતે આવી હોબાળો મચાવ્યો હતો.

વાલીઓનું કહેવું છે કે, અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ શાળાના શિક્ષકો બાળકોની પાસે સફાઈનું કામ કરાવે છે.  શાળામાં અમે અમારા બાળકોને સારા અભ્યાસ માટે મોકલીએ છીએ નહીં કે સફાઈ કામ કરવા માટે. ઉલ્લેખનીય એ બાબત છે કે, શાળાના તમામ વહીવટ અને પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવા માટે શાળામાં એસએમસીના 9 સભ્યોનું બોર્ડ બનાવેલું છે. આ સભ્યો પૈકી એકપણ સભ્યશાળાની મુલાકાત લેતું નથી.