વડોદરા કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો

વડોદરા: વડોદરા કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આજરોજ સવારે 10:30 કલાકે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સત્તાવાર ચાર્જ આપ્યો હતો. ત્યારે હવે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સામે અનેક પડકારો છે. શહેરમાં પૂરની પરિસ્થિતિને રહી વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટ પડકાર સમાન રહેશે.

નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, કલ્ચરલ કેપિટલ સીટી વડોદરામાં વિકાસના કામો અવિરત ચાલુ રહેશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ 40 ટકા પૂર્ણ થયો છે અને આગામી દિવસોમાં ટીમવર્કથી કામ થશે. અગાઉ પણ કામ સારા થયા છે અને હજુ વધુ કામની ગતિ વધારાશે. હેરિટેજ સિટી માટે અભ્યાસ કરીશું અને ચર્ચા કરીશું. તેમજ નાગરિકોના પણ મંતવ્ય લઈ આગામી દિવસોમાં વિકાસના કામોને વેગ આપીશું.