October 6, 2024

ભાયલી દુષ્કર્મ કેસમાં પીડિતાનું મેડિકલ ચેકઅપ પૂર્ણ, 3 વ્યક્તિઓએ બળાત્કાર કર્યો હોવાનો ખુલાસો

વડોદરાઃ ગઈકાલે ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો હતો. ત્યારે પીડિતાનું ગોત્રી મેડિકલ કોલેજમાં ચેકઅપ કરવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. E.N.T, સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ પીડિતાની તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, ત્રણ લોકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

હાલ પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે. આ સાથે જ શકમંદોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. શહેર અને જિલ્લા પોલીસ રાતે પણ સઘન વાહન ચેકિંગ કરી રહી છે. ઠેર ઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે અને અવાવરું જગ્યાએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, ભોગ બનનારી સગીરા હાલ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. સગીરા મિત્ર સાથે અગાઉ પણ આ ઘટનાસ્થળે ગઈ હતી. આ પહેલાં તેણે 7 વાર આ જગ્યાની મુલાકાત લીધી હતી.

શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના વિશે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યુ છે કે, ‘પીડિતા પોતાના મિત્રને 11.30 વાગે રાત્રે મળી હતી. રાત્રે 12 વાગે બે બાઈક પર સવાર 5 લોકોએ જોયા હતા. પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી. 5માંથી 2 વ્યક્તિ નીકળી ગયા હતા. 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું, 1 યુવકે પીડિતાના મિત્રને પકડી રાખી હતી.’ ઉલ્લેખનીય છે કે, ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને જિલ્લા પોલીસ સાથે શહેર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.

સગીરા પીડિતા પરપ્રાંતીય છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની ઉંમર 30થી 35 વર્ષ હોવાનું પોલીસનું અનુમાન છે. જિલ્લા પોલીસ વડાએ કહ્યુ છે કે, આ કેસ પોલીસ માટે ખૂબ ચેલેન્જિંગ છે. પીડિતા ગરબા રમવા નથી ગઈ. તે નોર્મલ ડ્રેસમાં હતી, ચણિયાચોળી પહેર્યા નહોતા.’