ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું, 57 મજૂરો દટાયાં; બચાવ કામગીરી શરૂ

Uttarakhand: ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા વચ્ચે શુક્રવારે ભારત-ચીન (તિબેટ) સરહદી વિસ્તારમાં માણા કેમ્પ નજીક એક વિશાળ ગલેશ્યિર તૂટ્યું હતું. આ સમય દરમિયાન ત્યાં બાંધકામ કાર્યમાં રોકાયેલા 57 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 10 કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. તે જ સમયે ITBP અને સેનાની મદદથી ત્રણ લોકોને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.

આ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગઈ છે. ચમોલીના માણા અને માણા પાસ વચ્ચે ગલેશ્યિર તૂટતાં કામદારો નીચે દટાયા હોવાના અહેવાલો છે. વાયુસેના પાસેથી મદદ માંગવામાં આવી રહી છે. સેના અને ITBP બચાવ કામગીરીમાં રોકાયેલા છે. NDRF ટીમને પણ ઘટનાસ્થળે ખસેડવામાં આવી છે.

બરફવર્ષાને કારણે હનુમાન ચટ્ટીથી આગળ બદ્રીનાથ હાઇવે બંધ થઈ ગયો હોવાથી NDRF ટીમ માણા કેમ્પ સુધી પણ પહોંચી શકી નહીં.

ત્રણ દિવસથી બરફ પડી રહ્યો છે
બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ, ફૂલોની ખીણ, રુદ્રનાથ, લાલ માટી, નંદા ઘુંટી, ઔલી, ગોર્સન તેમજ નીતિ અને માના ખીણોમાં છેલ્લા ત્રણ દિવસથી બરફવર્ષા થઈ રહી છે. જેના કારણે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફ જમા થયો છે.

મુખ્યમંત્રીએ કામદારોની સલામતી માટે પ્રાર્થના કરી