ઉત્તરાખંડ હિમસ્ખલન: બચાવ કામગીરી પૂર્ણ, 4 ગુમ કામદારોના મૃતદેહ મળ્યા, 8નાં મોત, 46 સુરક્ષિત

Chamoli Avalanche: શુક્રવારે ચીન સરહદ પર માના નજીક હિમસ્ખલનમાં ફસાયેલા તમામ લોકોની શોધખોળ કરી લેવામાં આવી છે. જેમાંથી 46 લોકો સુરક્ષિત છે, જ્યારે આઠ લોકોના મોત થયા છે. રવિવારે બચાવ ટીમને ગુમ થયેલા ચારેય કામદારોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે શનિવારે ચાર કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા. રવિવારે અન્ય એક ઘાયલ વ્યક્તિને AIIMS ઋષિકેશમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યારે શનિવારે એક ઘાયલ કાર્યકરને રિફર કરવામાં આવ્યો હતો. આ સાથે ત્રણ દિવસથી ચાલી રહેલ બચાવ કામગીરી પણ સમાપ્ત થઈ ગઈ છે.
શુક્રવારે સવારે માના નજીક એક વિશાળ હિમસ્ખલન થયો હતો. જેમાં 54 BRO કામદારો ફસાયા હતા. શુક્રવારે સવારે ITBP અને સેનાના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. પહેલા દિવસે 33 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. શનિવારે NDRF પણ બચાવ કામગીરીમાં જોડાયું. શનિવાર સુધીમાં બચાવ ટીમોએ 46 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જ્યારે 4 કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યાર બાદ ત્રણેય બચાવ ટીમોએ રવિવારે ફરી ચાર ગુમ થયેલા કામદારોને શોધવા માટે કામગીરી હાથ ધરી હતી.
બપોરે 1 વાગ્યા પહેલા જ એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ અન્ય બે કામદારોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. છેલ્લે ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ સાંજે 4 વાગ્યાની આસપાસ મળી આવ્યો હતો. જે બાદ અકસ્માતમાં મૃત્યુઆંક 8 પર પહોંચી ગયો છે. છેલ્લા વ્યક્તિનો મૃતદેહ મળ્યા પછી બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ઘાયલોને જ્યોતિર્મથ આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા
માનાથી તમામ કામદારોને હેલિકોપ્ટર દ્વારા જ્યોતિર્મઠ સ્થિત આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. છેલ્લે મળેલા મૃતદેહને પણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બચાવ કામગીરીમાં 7 સેના અને 1 ખાનગી હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. જેના દ્વારા કામદારોને માનાથી જ્યોતિર્મઠ લાવવામાં આવ્યા હતા. બે કામદારોને AIIMS ઋષિકેશ મોકલવામાં આવ્યા હતા. અન્ય લોકો આર્મી હોસ્પિટલ જ્યોતિર્મઠમાં સારવાર હેઠળ છે.