ઉસ્તાદ ઝાકિર હુસૈને સંગીત જ નહીં, અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો
અમદાવાદઃ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નામ દેશ અને દુનિયામાં ઘણું લોકપ્રિય છે. જ્યારે ઝાકિર હુસૈન આંગળીઓ તબલા પર મૂકે છે ત્યારે આંગળીઓ-તબલા વચ્ચે એક અદ્ભુત સંવાદિતતા જોવા મળે છે. તેમનું 73 વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કોમાં નિધન થયું છે. તેમને હૃદય સંબંધિત બીમારીને કારણે ICUમાં દાખલ કરવા પડ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
ત્રણ વર્ષની ઉંમરે પિતાએ પખવાજ વગાડતા શીખવાડ્યું
ઝાકિર હુસૈન માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા ખાને તેમને પખાવાજ શીખવવાનું શરૂ કર્યું હતું. ઉસ્તાદ અલ્લાહ રખાનું નામ પણ તેમના સમયના પ્રખ્યાત તબલાવાદકોમાં સામેલ હતું. તેઓ ભારતના જાણીતા કલાકાર હતા. તેમણે ઝાકિર હુસૈનને સંગીતની દરેક સૂક્ષ્મતા શીખવી હતી. ઝાકિર હુસૈન જ્યારે તબલાવાદક તરીકે કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું ત્યારે તે ખૂબ જ નાના હતા. ઝાકિર હુસૈનનું પહેલું સોલો મ્યુઝિક આલ્બમ 1987માં રિલીઝ થયું હતું, જેનું નામ મેકિંગ મ્યુઝિક હતું.
આ પણ વાંચોઃ ઝાકિર હુસૈને કેમ કહ્યુ ‘…એ 5 રૂપિયા મારા માટે સૌથી કિંમતી હતા’?; વાંચો સમગ્ર કિસ્સો
અભિનયમાં પણ રસ હતો
આ પહેલા તેમણે ઘણા કલાકારો સાથે સંયુક્ત રીતે આલ્બમમાં કામ કર્યું હતું. પરંતુ ઝાકિર હુસૈનને તેમના સોલો આલ્બમથી ખ્યાતિ મળી હતી, જેની કદાચ તેમણે પોતે પણ કલ્પના કરી ન હતી. ઝાકિર હુસૈને આ પછી ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. દૂર-દૂરથી લોકો તેમને સાંભળવા તેમના કાર્યક્રમોમાં આવતા હતા. ઝાકિર હુસૈનને માત્ર સંગીતમાં જ રસ નહોતો, પરંતુ તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો.
આ પણ વાંચોઃ ઉસ્તાદ ઝાકિર હુસૈને સંગીત જ નહીં, અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો
તેમણે 1983માં આવેલી ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ’ દ્વારા પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શશિ કપૂર પણ મહત્વના રોલમાં હતા. આ પછી તેણે ‘ધ પરફેક્ટ મર્ડર’ અને ‘મિસ બેટીઝ ચિલ્ડ્રન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું હતું. જો કે, તેમની એક્ટિંગ ત્યારે ખૂબ ચર્ચામાં આવી જ્યારે 1998માં તે શબાના આઝમીની સાથે ફિલ્મ ‘સાઝ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઝાકિર હુસૈને સંગીત પણ આપ્યું હતું. આ એક વિવાદાસ્પદ ફિલ્મ હતી. આ ફિલ્મમાં ઝાકિર હુસૈને શબાના આઝમીના પ્રેમીની ભૂમિકા ભજવી હતી. તબલાવાદક ઝાકિર હુસૈનને મોટા પડદા પર શબાના આઝમીને પ્રપોઝ કરતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલ્મમાં ઝાકિર હુસૈનની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.