ન ભારત, ન ચીન અને ન રશિયા… પહેલી વિદેશ યાત્રા પર આ ઇસ્લામિક દેશના મહેમાન બનશે ડોનાલ્ડ ટ્રમ્પ

Donald Trump First Foreign Trip: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ જાન્યુઆરીમાં યુએસ રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા પછી ટૂંક સમયમાં તેમનો પહેલો વિદેશ પ્રવાસ કરી શકે છે. પરંતુ, રસપ્રદ વાત એ છે કે, સામાન્ય રીતે અમેરિકન રાષ્ટ્રપતિ યુરોપિયન દેશો, ખાસ કરીને બ્રિટનથી વિદેશ પ્રવાસ શરૂ કરે છે. પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ દરેક પરંપરા તોડવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં તે ન તો યુરોપ જશે, ન તો ભારત, રશિયા કે ચીન. તે એક ઇસ્લામિક દેશના મહેમાન બનવા જઈ રહ્યા છે. 2017માં રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે આ ઇસ્લામિક દેશની મુલાકાત પણ લીધી હતી.

રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ મે મહિનાના મધ્યમાં સાઉદી અરેબિયાની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી આ તેમની પહેલી વિદેશ યાત્રા હશે. આ માહિતી બે અમેરિકન અધિકારીઓ અને રાષ્ટ્રપતિની મુલાકાત સાથે સંકળાયેલા એક સૂત્ર દ્વારા આપવામાં આવી છે. Axios.comએ આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

ટ્રમ્પની સંભવિત મુલાકાત કેટલી મહત્વપૂર્ણ છે?
ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની પહેલી વિદેશ મુલાકાત માટે સાઉદી અરેબિયાની પસંદગી દર્શાવે છે કે, તેમની સરકાર અને ગલ્ફ દેશો વચ્ચેના સંબંધો કેટલા મજબૂત બન્યા છે. વેપાર અને રોકાણના મામલામાં આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે. આ મુલાકાતની તૈયારીઓ એવા સમયે થઈ રહી છે કે, જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર ગાઝામાં યુદ્ધ રોકવા અને હમાસ પાસેથી બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકન અને ઇઝરાયલી અધિકારીઓનું કહેવું છે કે, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આનું કારણ એ છે કે, સાઉદી અરેબિયા ઇચ્છે છે કે પેલેસ્ટાઇન પોતાનો દેશ બને તે માટે એક નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવામાં આવે, પરંતુ ઇઝરાયલી સરકાર આ માટે તૈયાર નથી.

પહેલાં શું થયું?
ટ્રમ્પનો તેમના પાછલા કાર્યકાળમાં પહેલો વિદેશ પ્રવાસ સાઉદી અરેબિયાનો હતો અને તે પણ મે મહિનામાં થયો હતો. ટ્રમ્પે 6 માર્ચે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ આગામી દોઢ મહિનામાં સાઉદી અરેબિયાની મુલાકાત લઈ શકે છે. તેમણે કહ્યું કે, હું સાઉદી અરેબિયા જઈ રહ્યો છું. સામાન્ય રીતે લોકો પહેલા યુકે જાય છે. છેલ્લીવાર હું સાઉદી અરેબિયા ગયો હતો. તે સમયે તેમણે 450 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. આ વખતે મેં કહ્યું કે, જો તમે અમેરિકન કંપનીઓને એક ટ્રિલિયન ડોલર (જે ચાર વર્ષમાં એક મોટું રોકાણ છે) આપો છો, તો હું આવીશ. તેણે કહ્યું હા, તો હું ત્યાં જઈ રહ્યો છું.