પહલગામ આતંકી હુમલા અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન – બહુ જ ખરાબ હુમલો!

Donald Trump on Pahalgam Terror Attack: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને તેને ખૂબ જ ખરાબ હુમલો ગણાવ્યો છે. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ભારત અને પાકિસ્તાન આ પરિસ્થિતિનો ઉકેલ પોતાના સ્તરે લાવશે.
તેમણે કહ્યું, ‘હું ભારત અને પાકિસ્તાનની ખૂબ નજીક છું… જેમ તમે જાણો છો કે, કાશ્મીરને લઈને બંને વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે. કાશ્મીરનો મુદ્દો વર્ષોથી છે. જે આતંકવાદી હુમલો થયો તે ખૂબ જ ખરાબ હતો, ખૂબ જ ખરાબ.’
જ્યારે તેમને કાશ્મીર મુદ્દા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ‘તે સરહદ પર વર્ષોથી તણાવ છે.ત્યાં હંમેશા આવું જ રહ્યું છે. પણ મને ખાતરી છે કે તેઓ એક યા બીજી રીતે તેનો ઉકેલ શોધી કાઢશે. હું બંને નેતાઓને જાણું છું.’
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. આ સાથે જ ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમણે આ ‘જઘન્ય હુમલા’ના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં ભારતના સમર્થનની ખાતરી આપી છે.
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ બૈસરન ખીણમાં 26 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલો લગભગ બે દાયકામાં કાશ્મીરમાં થયેલો સૌથી વધુ ઘાતક હુમલો માનવામાં આવે છે. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તીવ્ર વળાંક આવ્યો છે.