યુદ્ધ વિનાશનું કારણ બની જાત, કાશ્મીરના સમાધાન માટે 1000 વર્ષ સુધી કામ કરવા તૈયાર – સિઝફાયર અંગે ડોનાલ્ડ ટ્રમ્પ

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે બંને દેશોની ‘સાહસિક અને નિર્ણાયક’ ભૂમિકાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક અને માનવતાવાદી ગણાવ્યું છે અને અમેરિકાની ભૂમિકાને ‘નિર્ણાયક સાથી’ તરીકે રજૂ કરી છે.
ટ્રમ્પે કહ્યુ કે, આ યુદ્ધ વિનાશનું કારણ બની શક્યું હોત અને લાખો નિર્દોષ લોકો માર્યા ગયા હોત. તેમણે કહ્યુ, ‘મને ભારત અને પાકિસ્તાનના મજબૂત નેતૃત્વ પર ગર્વ છે. તેઓ સમયસર સમજી ગયા કે આ સંઘર્ષને રોકવો જરૂરી છે, જેના કારણે લાખો નિર્દોષ લોકોના જીવ બચી ગયા. આ નિર્ણય માત્ર બહાદુરીભર્યો જ નથી, પણ આ બંને દેશોના વારસાને વધુ ગૌરવશાળી પણ બનાવે છે.’
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, ‘મને ગર્વ છે કે અમેરિકા તમને આ ઐતિહાસિક અને બહાદુરીભર્યા નિર્ણય સુધી પહોંચવામાં મદદ કરી શક્યું છે.’ તેમણે વધુમાં કહ્યુ છે કે, તેઓ ભારત અને પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યુ કે, ‘કદાચ ‘એક હજાર વર્ષ’ પછી આ ઐતિહાસિક વિવાદનો ઉકેલ શોધવાનો સમય આવી ગયો છે.’ જો કે, ટ્રમ્પ ભૂલી ગયા છે કે કાશ્મીર અંગે ભારતની સ્પષ્ટ નીતિ એ રહી છે કે, તે તેનો આંતરિક મામલો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી હતી કે, અમેરિકા હવે ભારત અને પાકિસ્તાન બંને સાથે વેપાર સંબંધો વધારશે. જોકે આ અંગે કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી, તેમણે નોંધ્યુ છે કે, ‘હું સ્પષ્ટ કરી રહ્યો છું કે, અમેરિકા બંને દેશો સાથે વેપાર વધારવા જઈ રહ્યું છે.’
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, આ ઐતિહાસિક નિર્ણય અમેરિકાની મદદથી શક્ય બન્યો છે. જો કે, આને તેમની રાજદ્વારી છબીને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે ટ્રમ્પ આગામી યુએસ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વૈશ્વિક બાબતોમાં પોતાની ભૂમિકા ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.