June 28, 2024

UPSC એક્ઝામ છૂટતા વ્યાકુળ માં-બાપને સાચવતી દીકરીનું કાબિલેદાદ ધૈર્ય

UPSC: સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા રવિવારે દેશભરમાં જુદા જુદા કેન્દ્રો પર સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષા 2024નું આયોજન કર્યું હતું. આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું ફર્સ્ટ સેશન સવારે 9 વાગે શરૂ થયું હતું. જોકે, ગુરુગ્રામમાં એક યુવતી પરીક્ષા કેન્દ્ર પર મોડી પહોંચતા તેને પરીક્ષામાં બેસવા દેવામાં નહોતી આવી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર (X) પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં પરીક્ષા આપવા માટે આવેલ યુવતીની માં બેભાન થઈ ગઈ છે અને જ્યારે વ્યાકુળ બનેલા પિતા પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓને વિનંતીઓ કરી રહ્યા છે. અહી, માં-બાપને સાચવતી દીકરીનું ધૈર્ય ખરેખર કાબિલેદાદ છે.

જોવા મળ્યું દીકરીનું ગઝબનું ધૈર્ય 

સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષામાં કથિત રીતે મોડી પડતાં યુવતીને પરીક્ષા કેન્દ્રના ગેટ પર જ અટકાવી દેવામાં આવી હતી. જેને લીધે યુવતીની માંડ બેભાન થઈ જાય છે અને તેના પિતા પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓને વિનવી રહ્યા છે. આ બધા વચ્ચે તે યુવતી, જે માત્ર ગણતરીની મિનિટો મોડી પડતાં તેના આખા વર્ષની મહેનત બરબાદ થઈ ગઈ, તેની માનસિક સ્થિતિની કલ્પના કરવી અઘરી છે. તેમ છતાં આ યુવતી આવી ગંભીર સ્થિતિમાં પણ ગઝબનું ધૈર્ય દર્શાવે છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે ભાવુકતા અને ભીડ ભરેલી સ્થિતિમાં પણ યુવતી ન માત્ર ખુદને પરંતુ પોતાના પિતા અને બેભાન થયેલ માંને પણ સાચવતી જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ

પરીક્ષા ન આપી શકવા છતાં માતાપિતાને સાચવવામાં ગઝબનું ધૈર્ય અને હિંમત દર્શાવતી યુવતીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવતીના માં-બાપ રોકકળ કરી રહ્યા છે. યુવતી માતાપિતાને સંભાળતા કહી રહી છે, ‘પાપા પાણી પી લો… આમ કેમ કરો છો. પાપા હું આવતા વર્ષે આપી દઇશ. કઈ ચિંતા નથી.’ જેની સામે પિતા કહે છે કે, બેટા આપણું આખું વર્ષ બરબાદ થઈ ગયું.’ તો દીકરી કહે છે, ‘કઈ વાંધો નહી પાપા, ઉંમર નથી નીકળી ગઈ.’ બાપ દીકરી બંને રડતાં રડતાં માંને પણ સાંત્વના આપી રહ્યા છે.