September 17, 2024

Union Budget 2024: બજેટમાં મધ્યમ વર્ગ માટે જાણો શું થયું સસ્તું?

Union Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું. આ બજેટમાં મધ્યમ વર્ગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે ‘ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. જે ટેક્સ સંબંધિત વિવાદો અને કેસોમાં ઘટાડો કરશે. તેને 6 મહિનામાં પૂર્ણ કરવાની દરખાસ્ત છે.

બજેટમાં મધ્યમ વર્ગ માટે કરાઇ અનેક જાહેરાતો
નવી કર વ્યવસ્થામાં વ્યક્તિગત આવકવેરાના દરો પર, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘નવી કર વ્યવસ્થા હેઠળ, ટેક્સ દરનું માળખું એવું હશે કે 0 થી 3 લાખ રૂપિયાની વચ્ચે કોઈ ટેક્સ નહીં હોય. 3-7 લાખ રૂપિયાની આવક પર 5% અને 7-10 લાખ રૂપિયાની આવક પર 10% ટેક્સ લાગશે. 10-12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 15%, 12-15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 20% અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% આવક વેરો લાગશે.

સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરી દીધું છે. ફેમિલી પેન્શન પર છૂટની મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે આ બે ફેરફારોથી દેશના 4 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે ‘મતરે એવા કેસમાં જ આવક વેરાની આકારણી 3 વર્ષ પછી ફરીથી ખોલવામાં આવશે જ્યાં બાકીની આવક 50 લાખ રૂપિયા અને તેનાથી વધુ છે.’ નાણામંત્રીએ કહ્યું કે ‘લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ 10%થી વધારીને 12.5%​​ કરવામાં આવ્યો અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ મુક્તિ 1 લાખ રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા કરવામાં આવી. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 15% થી વધીને 20% થયો.

ચેરિટિના સંદર્ભમાં બે જુદી જુદી વ્યવસ્થાઓની જગ્યાએ એક કર મુક્તિ વ્યવસ્થા લાગુ થશે. સાથે જ જુદા જુદા પેમેન્ટ માટે 5% TDSને બદલે 2% TDSની વ્યવસ્થા લાગુ થશે. મ્યુચ્યુઅલ ફંડ અથવા UTIની પુનઃખરીદી પર લાગુ 20% TDS હવેથી વસૂલવામાં આવશે નહીં.

નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે ‘મોબાઇલ ફોન અને ઉપકરણોનું સ્થાનિક ઉત્પાદન વધ્યું છે. મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું, ‘હું મોબાઈલ ફોન, મોબાઈલ PCBS અને મોબાઈલ ચાર્જર પર BCD ઘટાડીને 15% કરવાનો પ્રસ્તાવ મૂકું છું.’ આના કારણે દેશમાં મોબાઈલ અને મોબાઈલ ડિવાઈસ સસ્તા થશે.