અજાણી મહિલાઓ બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાને બહાને સોના-ચાંદીના દાગીના લઇ રફૂચક્કર
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. પાલનપુરના દિલ્હી ગેટ કોટવાળી શેરી વિસ્તારમાં એક મહિલાના ઘરમાં બે અજાણી મહિલાઓ બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાને બહાને ઘુસી અને મહિલા પર વશીકરણ કરી મહિલા પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ છીનવી રફૂચક્કર થઇ છે, જોકે મહિલા ભાનમાં આવતા તે છેતરપિંડીનો ભોગ થઇ હોવાનું ભાન થતા મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે જાણ કરતા પોલીસએ આસપાસના સીસીટીવીના આધારે બે ઠગ મહિલાઓને પકડવા તપાસ શરૂ કરી દીધી છે.
બનાસકાંઠાના પાલનપુરના દિલ્હીગેટ કોટવાળી શેરી વિસ્તારમાં રહેતા શિલ્પા બેન પરમાર બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકલાયેલા છે. સોમવારે શિલ્પાબેન પોતાના ઘરે ઘરનું કામકાજ કરી રહ્યા હતા તે સમયે બે અજાણી મહિલાઓ બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાને બહાને તેમના ઘરે પહોંચી અને અલગ અલગ વાતો કરી બેબી શાવરનો ઓર્ડર આપવાનું કહી શિલ્પાબેનનો વિશ્વાસ કેળવ્યો જોકે તે બાદ શિલ્પાબેન આ બંને ઠગ મહિલાઓને ગ્રાહક સમજી તેમની માટે ચા બનાવી લાવ્યા અને ચા પીતા પીતા આ મહિલાઓએ પોતાની પાસે રહેલું લીબું બહાર કાઢ્ હતું. અચાનક મહિલાઓના હાથમાં રહેલું લીંબુ જોઈ શિલ્પાબેનએ મહિલાઓને આ લીંબુ વિશે પૂછ્યું તો મહિલાઓએ અલગ બહાનું બનાવ્યું અને કહ્યું કે હું ટેલીફોન એક્સચેન્જ મંદિરમાં પૂજા કરું છું અને ત્યાં લીંબુ વધ્યું હતું એટલે ઘરે લઈ જઉં છું, શિલ્પાબેનએ લીંબુ જોતાં સાથે જ તેઓ બેહોશ અવસ્થામાં જતા રહ્યા અને તે બાદ આ મહિલાઓએ શિલ્પાબેન પાસે તેમના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઇ લીધી અને બંને મહિલાઓ શિલ્પાબેનના ઘરેથી રફુચક્કર થઈ ગઈ હતી.
આ પણ વાંચો: વલસાડમાં નકલી પોલીસ બની 2.55 લાખની લૂંટ, બેની ધરપકડ
થોડો સમય વીત્યા બાદ શિલ્પાબેન ભાનમાં આવ્યા અને તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું ભાન થતા જ શિલ્પાબેન બુમા બૂમ કરી ઘટનાની જાણ પાલનપુર પૂર્વ પોલીસને કરતા પાલનપુર પૂર્વ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શિલ્પાબેનના ઘરની સામે આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસીસના સીસીટીવીમાં મહિલાઓ શિલ્પાબેનના મકાનમાં પ્રવેશતી કેદ થયેલી જોવા મળી. જેને લઇ પોલીસે અત્યારે તો શિલ્પાબેનના મકાનમાં પ્રવેશતી બંને મહિલાઓના સીસીટીવી ફૂટેજ મેળવી ઠગ બંને મહિલોઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યો, માર્ચમાં 74,000થી વધુ ઓપીડી કેસ નોંધાયા
ધોળે દિવસે અને શહેરના હાર્ટ સમાન દિલ્હીગેટ વિસ્તારમાં છેતરપિંડીની આ ઘટના પાલનપુરની પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહી છે કે શું આવા ઠગીયા લોકોને પોલીસનો કોઈ ભય જ નથી કે ધોળે દિવસે આવા ગીચ વિસ્તારમાં આવી છેતરપિંડીની ઘટનાઓને ભોગ આપી રહ્યા છે. અત્યારે તો પોલીસ સીસીટીવી સાથે મહિલાઓને દબોચવા તપાસ કરી રહી છે ત્યારે પોલીસ ક્યારે મહિલાઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.