ઉનાના દેલવાડા ગામે આંગણવાડી-શાળાનું નબળું બાંધકામ, નાના ભુલકાઓના જીવ જોખમમાં

ઉના: એક તરફ રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા નાના ભૂલકાઓને સુવિધા સભર પાયાનું જ્ઞાન મળી રહે તે માટે આંગણવાડીઓ બનાવવામાં આવી છે પણ હજુ કેટલીક આંગણવાડીઓ એવી છે કે વર્ષોથી જર્જરિત અને જોખમી છે. ત્યારે ઉના તાલુકાના દેલવાડા ગામની આવી જ એક જર્જરિત આંગણવાડીના છત પરથી પોપડા પડતાં આંગણવાડીના બાંધકામ અને બે બે વાર 1.5 – 1.5 લાખના રિપેરિંગ કામ ઉપર સવાલ ઊભા કરે છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગ્રામ પંચાયત વિસ્તારની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી છે.. રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી જ્યાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યાં તંત્ર ગંભીરતા દાખવતું ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે.. આઇસીડીએસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર આક્ષેપો ઉઠવા પામ્યા છે આ બાબતે તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી બન્યું છે.
દેલવાડા ગામે ચાલી રહેલ આંગણવાડી 4 અને 5 બંને નજીક નજીક આવેલી આ આંગણવાડીમાં કુલ 23 જેટલા બાળકો અભ્યાસ કરવા માટે આવે છે આ આંગણવાડી 2019–20માં એટિવિટી યોજના હેઠળ અને ત્યારબાદ 2022–23માં રિપેરિંગ કામ અને રંગ રોગાન કરવામાં આવ્યું. તેમ છતાં આ આંગણવાડી ની ઓસરીના ભાગે સ્લેબ ની છત પડી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં. થોડા દિવસ પૂર્વે વાંસોજ ગામે ચાલુ પ્રાર્થના સમયે જ ઓસરીની સ્લેબના પોપડા પડવાથી 7 વિધાર્થીઓ માથાના ભાગે ઇજા પહોંચી હતી.
આ આંગણવાડીની આજુબાજુ ખુલ્લી ગટરો અને વીજળીનું સબસ્ટેશન આવેલ છે. જ્યારે બીજી તરફ શૌચાલય પણ આવેલા છે. આ સિવાય અન્ય ત્રણ આંગણવાડી ઓ પણ મુખ્ય રોડ ઉપર આવેલી છે. આંગણવાડી માંથી દોડીને કોઈ બાળક નીકળે તો પસાર થતા વાહન સાથે અકસ્માત થવાની શક્યતાઓ રહે છે.