December 18, 2024

યુક્રેને કર્યો વાયદો… પાછી આપીશું કબજો કરેલી જમીન, પણ રાખી એક શરત

Ukraine: યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ રોકાવાનું નામ લઈ રહ્યું નથી. બન્ને વચ્ચે હુમલાનો અંત આવતો નથી. ત્યારે હવે યુક્રેને જણાવ્યું છે કે કુર્સ્ક પ્રદેશમાં તેણે કબજે કરેલા પ્રદેશને જાળવી રાખવામાં તેને રસ નથી. યુક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જ્યારે રશિયા સાચા શાંતિ કરાર માટે સંમત થશે ત્યારે આક્રમણ અટકશે અને અમે આ જમીન પણ રશિયાને પરત કરીશું. યુક્રેનના પ્રવક્તાએ કહ્યું કે આ કાર્યવાહી માત્ર રશિયાને વાટાઘાટોના ટેબલ પર આવવા દબાણ કરવા માટે છે. યુક્રેનિયન દળોએ કથિત રીતે કુર્સ્ક ક્ષેત્રમાં હુમલો કરીને રશિયાને ડોનેટ્સક ક્ષેત્રમાં દળોને સહાય પહોંચાડવાથી અટકાવ્યું છે. કારણ કે રશિયન સેના હવે કુર્સ્ક વિસ્તાર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રશિયન સત્તાવાળાઓ અને વહીવટીતંત્રે સતત યુક્રેનિયન આક્રમણ વચ્ચે કુર્સ્ક પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાંથી નાગરિકોને બહાર કાઢવાનું ચાલુ રાખ્યું.

રહેવાસીઓએ પોતાની રીતે અનેક સરહદી વિસ્તારો ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. રહેવાસીઓએ મંગળવારે સવારે રશિયન જિલ્લાને ખાલી કરવાનું શરૂ કર્યું. પ્રાદેશિક વડાએ કહ્યું કે આ સ્થળાંતર સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. અમને સરકાર દ્વારા સ્થળ છોડવા માટે કહેવામાં આવ્યું નથી. આ પહેલા યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે તેણે રશિયાના કુર્સ્ક વિસ્તારમાં લગભગ હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કરી લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ દેશને એક સંદેશમાં આ હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હવે કોઈપણ પ્રકારની શાંતિ મંત્રણા થશે નહીં. અમારું પહેલું કામ દુશ્મનોને ભગાડવાનું છે અને અમારી સેના તે કામ સારી રીતે કરશે.

મંગળવારે સવારે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે 38 રશિયન ડ્રોન તોડી પાડ્યા હતા. વધુમાં, યુક્રેને રશિયન સરહદની 20 કિમીની અંદર કોઈપણ પ્રકારની નાગરિક હિલચાલ પર પ્રતિબંધ મૂક્યો છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયા યુદ્ધને અન્ય લોકોના ઘરે લઈ ગયું હતું. હવે તે તેના ઘરે પરત ફર્યું છે.

આ પણ વાંચો: CM યોગી આદિત્યનાથે કર્યો દાવો- પાકિસ્તાન વિલીન થશે નહીંતર…

રશિયન સેનાને આ હુમલાનો કોઈ અંદાજ ન હતો કારણ કે આ યુદ્ધમાં આ પહેલીવાર છે જ્યારે યુક્રેનની સેનાએ રશિયામાં ઘૂસીને હુમલો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે યુક્રેન પશ્ચિમી દેશોના હાથની કઠપૂતળી બનીને રહી ગયું છે. પશ્ચિમી દેશો યુક્રેનને સતત મદદ કરી રહ્યા છે. અમે પાછળ હટીશું નહીં અને દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપીશું. સાથે જ પુતિને કોઈપણ પ્રકારની શાંતિ મંત્રણાનો પણ ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે હવે કોઈ શાંતિ મંત્રણા થશે નહીં.