July 4, 2024

બ્રિટનમાં ગૂંજ્યો PoKનો મુદ્દો, ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત; લોકોમાં આક્રોશ

લંડનઃ પીઓકેમાં વધતી અશાંતિ બાદ યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના સભ્યોએ યુકેના બ્રેડફોર્ડમાં પાકિસ્તાની કોન્સ્યુલેટની બહાર આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન પાર્ટીના નેતાઓએ પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોના સંઘર્ષને સમર્થન જાહેર કર્યું હતું.

સરકારી મદદ છતાં રોષ, ફાયરિંગમાં 3 લોકોનાં મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં હજુ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પીએમ શહેબાઝ શરીફે વિસ્તારના વિકાસ માટે 23 અબજ રૂપિયા મંજૂર કર્યા પછી પણ લોકો શાંત થયા નથી. મુઝફ્ફરાબાદમાં અર્ધલશ્કરી રેન્જર્સ સાથેની અથડામણમાં વિરોધીઓ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 3 લોકોના મોત અને 6 લોકો ઘાયલ થયા હતા.

રેન્જર્સ 5 ટ્રક સહિત 19 વાહનોના કાફલા સાથે કોહલાથી વિસ્તારમાંથી બહાર આવ્યા હતા અને શોરાન દા નાક્કા ગામ નજીક તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેનો જવાબ તેમણે ટીયર ગેસ અને ગોળીબારથી આપ્યો હતો.