November 22, 2024

કાર કરતા ટુ વ્હીલર લોકોની પહેલી પસંદ, 3 લાખથી વધુ વાહનો વેચાયા

Auto News: દેશના ઓટો સેક્ટરની વૃદ્ધિ થઈ રહી છે. ન માત્ર મહાનગરમાં હવે તો ગ્રામ્ય અને નાના શહરોમાં પણ ડીલર્સની પ્રાપ્યતાને કારણે વાહનોના વેચાણમાં વધારો થયો હોવાનું એક રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. મે મહિનો પૂરો થતા એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાંથી આ વેચાણવૃદ્ધિના વાવડ મળ્યા છે. ગત વેચાણ કરતા મેં મહિનામાં પેસેન્જર વ્હીકલ્સના વેચાણમાં વધારો થયો છે. ગત વર્ષની તુલનામાં આ કેટેગરીમાં 4 ટકાનો વધારો થયો છે.

ટુ વ્હીલર લોકોની પહેલી પસંદ
યુનિટની વાત કરવામાં આવે તો 3,47,492 યુનિટ અલગ અલગ વાહનો વેચાયા છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ(SIAM)ના આ વર્ષના રીપોર્ટમાંથી આ આંકડા પ્રાપ્ત થયા છે. સિઆમના રીપોર્ટ અનુસાર મે મહિનામાં 55,763 થ્રી-વ્હીલરનું વેચાણ થયું હતું, જ્યારે ટુ-વ્હીલરનું વેચાણ 16,20,084 યુનિટ હતું. મે મહિનામાં થ્રી-વ્હીલરનું વેચાણ ગયા વર્ષના ગાળામાં 48,610 એકમો કરતાં 14.7% વધુ હતું. ટુ-વ્હીલરનું વેચાણ પણ ગયા વર્ષના સમાન ગાળામાં 14,71,550 યુનિટથી 10.1% વધ્યું છે. ટૂંકમાં આ વર્ષે લોકોએ ટુ વ્હીલ્સની ખરીદી વધુ કરી છે. નાના શહેરોમાં તથા મહાનગરમાં ટ્રાફિકમાંથી ઝડપથી નીકળવા માટે નાના વાહનો લોકોની પહેલી પસંદ રહ્યા છે. વાત ગુજરાતની કરવામાં આવે તો સામાન્ય રીતે અખાત્રીજ અને અષાઢી બીજના દિવસે વાહન ખરીદી વધારે થાય છે. આ આંકમાં ગુજરાતના આંકડાઓને પણ સમાવી લેવાયા છે.

આ પણ વાંચો: વધુ સમય માટે કાર પાર્કિંગમાં રાખવાની હોય તો આટલી વાત જાણી લો

ઓટો ઉદ્યોગ 2024-25માં સ્થિર
સિયામના પ્રમુખ વિનોદ અગ્રવાલે કહ્યું, ‘પેસેન્જર વાહનો, કોમર્શિયલ વાહનો, ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર જેવા તમામ સેગમેન્ટમાં મે 2023ની સરખામણીએ મે 2024માં વૃદ્ધિ નોંધાઈ છે. પેસેન્જર વાહનોમાં માત્ર નજીવી વૃદ્ધિ જોવા મળી છે, જેનું મુખ્ય કારણ ગયા વર્ષની હાર્ડ બેઝ ઈફેક્ટ છે.સામાન્ય કરતા ચોમાસું વધુ સારા રહેવાની અપેક્ષા અને નવી સરકારના આર્થિક વિકાસ પર સતત ભાર મૂકવાની સાથે અમે 2024-25માં ઓટો ઉદ્યોગમાં સ્થિર વૃદ્ધિની પણ અપેક્ષા રાખીએ છીએ. જોકે, હકીકત એ પણ છે કે, કારની કિંમત કરતા આ નાના વ્હીકલની કિંમત ઓછી હોય છે. તેમ છતાં લાખ રૂપિયાથી આવા વાહન શરૂ થતા જોવા મળ્યા છે.

અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ
સિયામના ડિરેક્ટર રાજેશ મેનને જણાવ્યું હતું કે, મે 2024માં પેસેન્જર વાહનોનું વેચાણ મે મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ રહ્યું છે. જો કે, મે 2023 ની સરખામણીમાં 3.9% નો નજીવો વધારો થયો છે. પણ આ વર્ષનું સૌથી વધુ વેચાણ છે. મે 2024માં કુલ ઉત્પાદન 24,55,637 યુનિટ હતું. સિયામના ડેટા અનુસાર, મે 2024માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ ઉત્પાદન 24,55,637 યુનિટ હતું. મે મહિનામાં સ્થાનિક પેસેન્જર વાહનોના છૂટક વેચાણમાં 1% ઘટાડો થયો હતો.

અહીંયા પણ ચૂંટણીની અસર
FADA અનુસાર, મે મહિનામાં સ્થાનિક પેસેન્જર વાહનોના છૂટક વેચાણમાં વાર્ષિક ધોરણે 1%નો ઘટાડો નોંધાતા ગ્રાહકોની પસંદનો અંદાજો લગાવાયો હતો. FADAએ જણાવ્યું હતું કે ભારે ગરમી અને ચૂંટણીએ માંગને અસર કરી છે. ચૂંટણીની અસર જોવા મળતા વેચાણને સીધી અસર થઈ હતી. મે મહિનામાં ટુ-વ્હીલરનું વેચાણ 2% વધીને 15,34,856 યુનિટ થયું છે અને થ્રી-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 20% વધીને 98,265 યુનિટ થયું છે. ગત વર્ષે 79,807 એકમોની સરખામણીએ કોમર્શિયલ વાહનોનું વેચાણ 4% વધીને 83,059 યુનિટ થયું છે.