November 25, 2024

શું કમલા હેરિસથી ડરી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ? પ્રેસિડેન્શિયલ ડિબેટથી કેમ ભાગી રહ્યા છે?

US President Elections 2024: અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે વધુ સમય બાકી નથી રહ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલા 10 સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચર્ચાને લઈને કમલા હેરિસ સાથેની ચર્ચામાંથી ખસી જવાની ધમકી આપી છે. તો પછી શું એવું માની લેવું જોઈએ કે ટ્રમ્પ આ પરંપરાગત અને નિયમો અનુસાર થનાર ડિબેટમાં ભાગ નહીં લે અને ડિબેટ રદ થઈ જશે?

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ત્રીજી વખત બોલી લગાવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે હું ટીવી ચેનલ પર કમલા હેરિસ સામે શા માટે ડિબેટ કરું? કમલા હેરિસની ટીમે આ ચર્ચામાં ઓપન માઈક્રોફોન પુનઃ શરૂ કરવા માંગ કરી છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ બિલકુલ વિપરીત માંગ કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ડિબેટ ન કરવાની ધમકી આપી છે.

મ્યૂટ બટન પાછળ છુપાય છે ટ્રમ્પ: બ્રાયન ફેલોન
ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર જેસન મિલરે કહ્યું કે તેઓ પહેલેથી જ ટીવી ચેનલની જૂનની ચર્ચા જેવી ચર્ચા માટે સહમત થયા છે, જેમાં માઇક્રોફોન મ્યૂટ હતા, તો શા માટે તેને બદલવામાં આવી રહ્યો છે? બીજી તરફ, કમલા હેરિસના કેમ્પના બ્રાયન ફેલોને કહ્યું કે સમગ્ર પ્રસારણ કાર્યક્રમ દરમિયાન માઇક્રોફોન ચાલુ રાખવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પે મ્યૂટ બટન પાછળ છુપાવાનું બંધ કરવું જોઈએ. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મને કદાચ તે ચાલુ રાખવાનું ગમ્યું હોત, પરંતુ સહમતી એ વાત પર હતી કે ગત વખતની જેમ જ આ વખતની ડિબેટ પણ હશે.

હેરિસે કર્યો ડિબેટ કરવાનો ઇનકાર
તો, ડોનાલ્ડ ટ્રમ્પે 4 સપ્ટેમ્બર માટે ટીવી ચેનલ ડિબેટનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ, કમલા હેરિસે તેમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ગયા મહિને, રાષ્ટ્રપતિ જો બાઈડેન રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી ગયા બાદ કમલા હેરિસ ડેમોક્રેટિક ઉમેદવાર બન્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે તે 10 સપ્ટેમ્બરના રોજ ન્યૂઝ ટીવી ચેનલ દ્વારા આયોજિત ડિબેટમાં ભાગ લેશે, જેના પર જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ સહમત થયા હતા.