Trump and Zelensky Meeting: પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર પહેલા ટ્રમ્પ અને ઝેલેન્સકી મળ્યા

Trump and Zelensky Meeting: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી છે. વ્હાઇટ હાઉસ અને ઝેલેન્સકીના કાર્યાલય બંનેએ આ વાતની પુષ્ટિ કરી છે. વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડિરેક્ટર સ્ટીવન ચ્યુંગે જણાવ્યું હતું કે બંને દેશોના રાષ્ટ્રપતિઓ ખાનગીમાં મળ્યા હતા અને ખૂબ જ ફળદાયી ચર્ચા થઈ હતી.

ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું જેનાથી યુક્રેન ચોંકી ગયું. ટ્રમ્પે કહ્યું હતું કે રશિયાએ આખા યુક્રેન પર કબજો કર્યો નથી તે એક “મોટી છૂટ” છે. જોકે, ટ્રમ્પના આ નિવેદનનો યુક્રેન અને યુરોપના મોટાભાગના દેશોએ સખત વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા દેશોએ કહ્યું કે રશિયા દ્વારા જમીન પર કબજો ન કરવો એ કોઈ છૂટ નથી.

રશિયા ઘાતક હુમલાઓ કરી રહ્યું છે
હાલમાં, રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે. રશિયાએ આક્રમક વલણ દાખવ્યું છે અને યુક્રેન પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. તાજેતરમાં, રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલો અને ડ્રોનથી ઘાતક હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં 9 લોકો માર્યા ગયા હતા અને 70 લોકો ઘાયલ થયા હતા.

ટ્રમ્પ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા
નોંધનીય છે કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પર નિશાન સાધ્યું છે. તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઝેલેન્સકી યુદ્ધને લંબાવી રહ્યા છે. પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે રોમ પહોંચ્યા છે.