January 4, 2025

ટ્રુડોએ બતાવ્યું ખતરનાક વલણ, ટ્રમ્પને ઈશારામાં કહ્યું – કેનેડા મજબૂત છે અને આઝાદ પણ…

Canada: સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ દેશના નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. જો કે ટ્રુડોએ પોતાના ટ્વિટમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. હકીકતમાં, ટ્રમ્પ ભૂતકાળમાં ઘણી વખત કેનેડાને અમેરિકન રાજ્ય કહી ચૂક્યા છે. હવે નવા વર્ષ પર ટ્રુડોએ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કેનેડા એક આઝાદ દેશ છે.

ટ્રુડોએ શું લખ્યું?
કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ X પર લખ્યું, “દેશભરમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.” તમે દેશમાં હોવ કે વિદેશમાં, 2025 તમારા માટે નવા પડકારો અને તકો લઈને આવશે. પરંતુ એક વાત આપણે જાણીએ છીએ કે આ દેશ મજબૂત અને આઝાદ છે અને આપણે તેને ઘર કહેતા ગર્વ અનુભવીએ છીએ. હેપી ન્યૂ યર કેનેડા.

તમને જણાવી દઈએ કે જ્યારથી ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે ત્યારથી તેઓ કેનેડા અને ટ્રુડો વિશે કંઈક એવું કહી રહ્યા છે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તાજેતરમાં, જ્યારે ટ્રુડો અમેરિકા ગયા હતા અને ટ્રમ્પ સાથે તેમના ફ્લોરિડાના નિવાસ સ્થાન માર-એ-લાગોમાં ડિનર કર્યું હતું, ત્યારે ટ્રમ્પે આ ડિનરની એક તસવીર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતી વખતે ટ્રમ્પે ટ્રુડોને પીએમ નહીં પણ કેનેડાના ગવર્નર કહ્યા.

આ પણ વાંચો: આતો માત્ર ટ્રેલર છે… દિલ્હીમાં ઠંડીથી ત્રાહિમામ પોકારી જશો, હવામાન વિભાગે કરી આગાહી

એટલું જ નહીં, ટ્રમ્પે ડિનર દરમિયાન ટ્રુડોને ઓફર કરી હતી કે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનવું જોઈએ. જોકે, આ ઓફર મજાકમાં આપવામાં આવી હતી. ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું રાજ્ય બનવાની ઓફર કરી હતી ટ્રમ્પે તેમની પોસ્ટમાં કહ્યું કે જો કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સનું 51મું રાજ્ય બનશે, તો “તેમના ટેક્સમાં 60 ટકાથી વધુનો ઘટાડો થશે, તેમના વ્યવસાયનું કદ તરત જ બમણું થશે અને તેમને અમેરિકાનું લશ્કરી રક્ષણ પણ પ્રાપ્ત થશે.” જે દુનિયાના અન્ય કોઈ દેશને નહીં મળે.

તેમણે વધુમાં સૂચન કર્યું કે નેશનલ હોકી લીગ (NHL)ના દિગ્ગજ વેઈન ગ્રેટ્ઝકીએ દેશનું નેતૃત્વ કરવું જોઈએ. ટ્રમ્પની આ ટિપ્પણીએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક નવા પ્રકારની ચર્ચાને જન્મ આપ્યો છે. ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આ ઈરાદાપૂર્વકનું અપમાન છે.