November 24, 2024

હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર્સ ઠાર, ઈઝરાયેલ સેનાએ કહ્યું – જે અમારા માટે ખતરો બનશે એ મરશે!

Israel Hezbollah Attack: ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ શનિવારે (સપ્ટેમ્બર 21) જાહેરાત કરી હતી કે હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરોને ખતમ કરી દેવામાં આવ્યા છે. આ સાથે IDFએ એમ પણ કહ્યું કે, કોઈપણ આતંકવાદી સંગઠન જે તેના નાગરિકો માટે ખતરો છે તેને બક્ષવામાં આવશે નહીં.

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન જાહેર કરતાં કહ્યું કે, “ગઈકાલે ઈબ્રાહિમ અકીલ સહિત 12 જેટલા મુખ્ય આતંકવાદીઓના ઠાર મરાતા હિઝબુલ્લાહની લશ્કરી કમાન્ડ લગભગ સંપૂર્ણપણે પડી ભાંગી છે. અમે તમામ મોરચે અમારા નાગરિકો માટે જોખમ ઊભું કરતાં કોઈપણ આતંકવાદી સંગઠન સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખીશું”

ઈબ્રાહીમ અકીલના ઠાર મરાયાની કરી હતી જાહેરાત
અગાઉ, IDF એ બેરૂતમાં એક ટાર્ગેટેડ હુમલામાં હિઝબુલ્લાહના ઓપરેશન યુનિટના કથિત પ્રમુખ ઇબ્રાહિમ અકીલના ઠાર મરાયાની જાહેરાત કરી હતી. આ ઓપરેશનમાં હિઝબુલ્લાહના ઓપરેશન સ્ટાફના સભ્યો અને રાડવાન યુનિટના કમાન્ડર પણ માર્યા ગયા હતા. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગરીએ જણાવ્યું હતું કે, “હું હવે પુષ્ટિ કરી શકું છું કે ઇબ્રાહિમ અકીલને હિઝબુલ્લાહના રાડવાન દળોના અન્ય વરિષ્ઠ આતંકવાદીઓ સાથે ઠાર મારવામાં આવ્યો છે. ઇબ્રાહિમ અકીલના હાથે ઇઝરાયેલી, અમેરિકન, ફ્રેન્ચ, લેબનીઝ અને અન્ય ઘણા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી.”

અનેક દેશોમાં હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠન જાહેર
મીડિયા અહેવાલ મુજબ, હિઝબુલ્લાહને અનેક દેશોએ આતંકી સંગઠન જાહેર કર્યું છે અને તેને ઈઝરાયેલ, લેબેનોન, મધ્ય પૂર્વ અને વ્યાપક વિશ્વ માટે મોટો ખતરો માનવામાં આવે છે. 8 ઑક્ટોબરથી હિઝબુલ્લાહએ ઇઝરાયેલી નાગરિકો પર 8,000 થી વધુ રોકેટ, મિસાઇલો અને વિસ્ફોટક યુએવી લોન્ચ કર્યા છે, જેના કારણે 60,000થી વધુ ઇઝરાયેલીઓને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. IDFનું મિશન આ ખતરાનો સામનો કરવાનું અને ઇઝરાયેલી નાગરિકોનું રક્ષણ કરવાનું છે.