વરાણા જતા પદયાત્રીઓ પર આઇસર ફરી વળતા ત્રણ મહિલાના મોત
ભાવેશ ભોજક, પાટણ : હારીજ-ચાણસ્મા હાઇવે રોડ ઉપર દાતરવાડા નજીક ગત મોડી રાત્રે સંઘ લઈને વરાણા જઈ રહેલા પદયાત્રીઓને આઈસર ચાલકે ટક્કર મારતા 3 મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઈઓ થતા તેઓને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આઇસર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાટણ જિલ્લાના વરાણા ખાતે હાલમાં આઈ શ્રી ખોડીયાર માતાનો મીની કુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં વઢીયાર પંથક ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સંઘો લઇને માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે ગતરોજ બહુચરાજી તાલુકાના અંબાલા ગામેથી ઠાકોર સમાજના 35 જેટલા લોકો માં ખોડીયારનો રથ લઈ જય ખોડીયારના નાદ સાથે વરાણા તરફ પ્રસ્થાન કર્યું હતું. મોડી રાત્રે આ સંઘ હારીજ તાલુકાના દાતરવાડા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી માટેલા સાંઢની જેમ આવી રહેલ આઇસર ગાડીના ચાલકે પોતાની આઇસર ગફલત ભરી રીતે હંકારી આગળ જઈ રહેલા પદયાત્રીઓ ઉપર ફેરવી દેતા ત્રણ મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.જયારે પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
આ અકસ્માતને પગલે આઇસર ચાલક પોતાની આઇસર લઈને ફરાર થઈ ગયો હતો. પદયાત્રીઓને આઇસરના ચાલકે મારેલ ટક્કર એટલી તીવ્ર હતી કે માતાજીનો રથ રોડની સાઈડ ઉપર આવેલી ચોકડીઓની જાડિયોમાં જઈ પડ્યો હતો. આ અંગેની જાણ હારીજ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશનું પંચનામું કરી પીએમ. અર્થે હારીજ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આઇસર ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતકોનાં નામ
1. પૂજાબેન જયરામજી ( ઉ. 20 )
2. રોશનીબેન જગાજી ( ઉ. 16 )
3. શારદાબેન કડવાજી ( ઉં. 62 )
ઇજાગ્રસ્તોનાં નામ
1. મહેન્દ્રભાઈ ઠાકોર ( ઉં. 25 )
2. રાહુલભાઇ મગનજી ઠાકોર ( ઉ 18 )
3. નિલેશભાઈ પ્રભાતભાઈ ઠાકોર ( ઉ 13 )
4. સવિતાબેન નાગજી ઠાકોર ( ઉ 45 )
5. સંદેશભાઈ માનસીંગભાઈ ઠાકોર ( ઉ 18 )