ઈરાનમાં ત્રણ ભારતીયો ગુમ, ભારતે તેહરાન પાસે મદદ માંગી

Iran: ઈરાનમાં ત્રણ નાગરિકો ગુમ થયા બાદ ભારતે તેહરાન પાસેથી મદદ માંગી છે. આ ત્રણેય નાગરિકો વ્યવસાયિક હેતુથી ત્યાં ગયા હતા. પરંતુ ત્યાં પહોંચ્યા પછી તરત જ તેમનો તેમના પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો. ભારતે આ મુદ્દો તેહરાન સમક્ષ ગંભીરતાથી ઉઠાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે.
જયસ્વાલે જણાવ્યું હતું કે આ ત્રણેય ભારતીય નાગરિકો વ્યવસાયિક હેતુ માટે ઈરાન ગયા હતા અને ત્યાં પહોંચ્યા પછી તરત જ તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. અમે તે ત્રણ ગુમ થયેલા નાગરિકોના પરિવારો સાથે સતત સંપર્કમાં છીએ. અમે દિલ્હીમાં ઈરાની દૂતાવાસ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે તેહરાનમાં ઈરાની વિદેશ મંત્રાલયનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
ત્રણેય ભારતીય નાગરિકો ડિસેમ્બરમાં ઈરાન ગયા હતા
રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય અને તેહરાનમાં ભારતીય દૂતાવાસ સતત ઈરાની અધિકારીઓના સંપર્કમાં છે અને ગુમ થયેલા નાગરિકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે એમ પણ કહ્યું છે કે અમે ઈરાની અધિકારીઓને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરીશું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય ભારતીય નાગરિકો ડિસેમ્બરમાં ઈરાન ગયા હતા.
આ પ ણવાંચો: મોદી 3.0નું પહેલું સંપૂર્ણ બજેટ, નિર્મલા સીતારમણ સતત 8મું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે
રશિયામાં ગુમ થયેલા ભારતીયો અંગે જયસ્વાલે કહ્યું કે અમે કહ્યું હતું કે 18 માંથી 16 લોકો ગુમ થયા છે. અમે તેને શોધવા માટે રશિયન અધિકારીઓના સંપર્કમાં છીએ. 17 જાન્યુઆરીના રોજ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધમાં રશિયન સૈન્ય માટે કામ કરતી વખતે ઓછામાં ઓછા 12 ભારતીય નાગરિકો માર્યા ગયા હતા. જ્યારે 16 અન્ય ગુમ છે. જયસ્વાલે જણાવ્યું હતું કે રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીય નાગરિકોના કુલ 126 કેસ છે. તેમણે કહ્યું કે ભારત હજુ પણ ત્યાં રહેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી રહ્યું છે.