October 5, 2024

ભારત-પાક સંબંધો પર નહિ થાય કોઈ વાત! પાકિસ્તાન પ્રવાસ પહેલા એસ જયશંકરનું નિવેદન

SCO Meeting: વિદેશ મંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. આ દરમિયાન તેઓ ઇસ્લામાબાદમાં SCO હેડ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ભાગ લેશે. 9 વર્ષમાં આ પ્રથમ વખત બનશે જ્યારે કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાને 29 ઓગસ્ટે SCOની બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. આ બેઠકને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાન યાત્રાને લઈને જયશંકરે કહી આ વાત
SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની તેમની આગામી મુલાકાત પર, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, “આ મુલાકાત બહુપક્ષીય કાર્યક્રમ માટે હશે. હું ભારત-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા કરવા માટે ત્યાં નથી જઈ રહ્યો. SCOના એક સારા સભ્ય તરીકે હું ત્યાં જઈ રહ્યો છું. તમે જાણો છો કે હું એક નમ્ર અને શિષ્ટ વ્યક્તિ છું, તેથી હું તે મુજબ વર્તન કરીશ.

આ દેશોના નેતાઓ પણ પહોંચી રહ્યા છે ઈસ્લામાબાદ
દેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વિદેશ મંત્રી જયશંકરની પાકિસ્તાન મુલાકાત વિશે કહ્યું હતું કે, “ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની સાથે એક પ્રતિનિધિમંડળ પણ જશે.” ઉલ્લેખનીય છે કે SCO સમિટ 15-16 ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદમાં યોજાશે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના નેતાઓ પણ ભાગ લેશે.