મૌની અમાસ પર મહાકુંભમાં 30 નહીં… પણ 37 લોકોના થયા હતા મોત: યોગી આદિત્યનાથ

Uttar Pradesh: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે. તેમણે વિધાનસભામાં ગયા મહિને 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મૌની અમાસના દિવસે મહાકુંભમાં થયેલી ભાગદોડનો ઉલ્લેખ કર્યો હતો. ઘટનાના 22 દિવસ પછી મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે મૌની અમાસના દિવસે કુંભમાં 30 નહીં પરંતુ 37 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 70 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે સંગમ કિનારે બેરિકેડ તૂટવાથી નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 66 શ્રદ્ધાળુઓ પ્રભાવિત થયા હતા, જેમાંથી 30 લોકોના મોત થયા હતા.
વધુમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે તે જ દિવસે મહાકુંભમાં અલગ અલગ સ્થળોએ પ્રેશર પોઈન્ટ બન્યા હતા, જેમાં પણ 7 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે આ બધી ઘટનાઓને ભાગદોડ સાથે ન જોડવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે 36 મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને તેમના પરિવારજનો મૃતદેહો ઘરે લઈ ગયા છે, જ્યારે એક શ્રદ્ધાળુની ઓળખ હજુ સુધી થઈ નથી. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અને ડીએનએ સાચવવામાં આવ્યું છે. જ્યારે એક ઘાયલની સારવાર હજુ પણ મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: કદાચ હું હવે બચી નહીં શકું… પોપ ફ્રાન્સિસની હાલત ગંભીર
‘કાર્યક્ષમ વ્યવસ્થાને કારણે, 5 કરોડ ભક્તોએ સ્નાન કર્યું’
સીએમ યોગીએ કહ્યું કે સંગમ નોઝ પર બનેલી ઘટના બાદ ભક્તોની મદદથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સને આવવાનો રસ્તો મળી ગયો. જેના દ્વારા બધા ઘાયલોને પહેલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાંથી ઘાયલોને મેડિકલ કોલેજ લઈ જવામાં મદદ કરી. 25 લાખની વસ્તીવાળા શહેરમાં 5 કરોડ લોકોની ભીડ વચ્ચે બચાવ કામગીરી ચાલી રહી હતી. આમ છતાં વહીવટીતંત્રના કુશળ સંચાલનને કારણે 5 કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું, જે કોઈ ચમત્કારથી કમ નહોતું.