આસામમાં HMP વાયરસનો કેસ આવતા ખળભળાટ, 10 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

HMPV Virus: દેશમાં HMP વાયરસના કેસ સતત નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે આસામમાં પણ એક કેસ સામે આવ્યો છે. લખીમપુરમાં એક 10 મહિનાનું બાળક HMP વાયરસથી સંક્રમિત છે. બાળક હાલમાં ડિબ્રુગઢની આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરોનું કહેવું છે કે બાળકની હાલત સ્થિર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. આસામમાં આ કેસ સાથે, દેશમાં હ્યુમન મેટાપ્યુનોવાયરસ (HMPV) કેસોની કુલ સંખ્યા 15 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં સૌથી વધુ 4 કેસ છે. શુક્રવારે રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ મળી આવ્યો હતો. અગાઉ ગુરુવારે 3 કેસ નોંધાયા હતા.

સિક્કિમ સરકારે જાહેર કરી એડવાઈઝરી

ચીનમાં માનવ મેટાપ્યુનોવાયરસ (HMPV) ને કારણે આ રોગના કેસ વધી રહ્યા છે. તાજેતરના કેસોમાં વધારાના અહેવાલોને ધ્યાનમાં રાખીને સિક્કિમ સરકારે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. સિક્કિમ ઉત્તર અને ઉત્તરપૂર્વમાં તિબેટ સ્વાયત્ત પ્રદેશની સરહદે આવેલું હોવાથી ચીન સાથે લગભગ 200 કિમી લાંબી સરહદ ધરાવે છે.

ભારતમાં માનવ મેટાપ્યુનોવાયરસ (HMPV) ના કેસોમાં વધારો વચ્ચે કેન્દ્રએ મંગળવારે રાજ્યોને દેશમાં શ્વસન રોગો પર દેખરેખની સમીક્ષા કરવા જણાવ્યું. રાજ્યોએ ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI) સર્વેલન્સને મજબૂત બનાવવું જોઈએ અને તેની સમીક્ષા કરવી જોઈએ.

આ પણ વાંચો: દાહોદમાં નકલી IT અધિકારીઓની રેડ; 2ની ધરપકડ, 4 ફરાર

આ સિવાય રાજ્યોને વાયરસના ચેપને રોકવા માટે લોકોમાં જાગૃતિ વધારવાની સલાહ પણ આપી છે. જાહેર કરાયેલી એડવાઈઝરીમાં સાબુથી વારંવાર હાથ ધોવા, ધોયા વગરના હાથથી આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળવું અને બીમારીના લક્ષણો દર્શાવતા લોકો સાથે નજીકના સંપર્કથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે ખાંસી અને છીંક ખાતી વખતે મોં અને નાક ઢાંકવા જેવી બાબતો પણ કહેવામાં આવી છે.