શું આવી રીતે ભણશે ગુજરાત! વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત અને શિક્ષિકાનો વિદેશમાં વિકાસ
વિક્રમ સરગરા, અંબાજી: ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખુબ જ મેહનત કરતા હોવાની મસમોટી વાત થઇ રહી છે ત્યારે દાંતા તાલુકામાં અંબાજી નજીકની પાન્છા પ્રાથમિક શાળાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકા છે તેમ છતાં તેમની નોકરી ચાલુ છે. આ મિસ્ટર ઈન્ડિયા શિક્ષિકાનું નામ તો ભારતમાં ચાલી રહ્યું છે અને રહે છે હાલ વિદેશમાં.
અંબાજી નજીક આવેલી પાન્છા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે ચેડાં થઇ રહ્યા છે. આ શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવના બેન પટેલ છે. તે છેલ્લા 8 વર્ થી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે અને આ અંગે કેટલીયે રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમયે આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે. આ શિક્ષિકાની પહોંચ બઉ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી જ આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેજ્યુઅલ રજાઓ પણ ભોગવે છે. દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી 10 મહિના અમેરિકામાં મોજ કરે છે. અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર પણ દેખાય છે.
આ અંગે જ્યારે ન્યૂઝ કેપિટલે આ શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકોની સ્તિથિ ખરેખર દયનિય હતી. આ બાળકોએ પોતાની શિક્ષિકાના દર્શન કર્યા ને પણ 2 વર્ષ થઇ ચુક્યા છે. આ બાળકો ત્રીજા ધોરણમાં હતા. તે વખતે આ બાળકોને આ શિક્ષિકાને જોયા હતા અને હવે આ બાળકો ધોરણ 5માં અભ્યાસ કરે છે પાંચમા ધોરણના મુખ્ય શિક્ષક ક્યાં છે તે બાળકો રાહ જોઈ રહ્યા છે.
પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગત અધિકારીઓ આંખે પાટા બાંધી ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકા છે અને ત્યાંના નાગરિક છે તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલી શકે છે. શું આ શાળામાં ક્યારેય ઇન્સ્પેકશન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવગ છે. કારણ કે આટલા સમયથી જો શિક્ષક હાજર ના રહે અને અધિકારીઓને ધ્યાનમાં ના આવે તો એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આ અધિકારીઓને ઉભા કરી રહી છે. અધિકારીઓ ઉપર મોટા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.