September 20, 2024

સુરતમાં નમી પડેલ મેટ્રો બ્રિજનો સ્પાન ઉતારવામાં નહિ આવે, આમ કરાસે રિપેરિંગ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે. સુરતના સારોલી પાસે આવેલા મેટ્રોના પીલર નંબર 747 અને 748 વચ્ચે જે સ્પાન મૂકવામાં આવ્યો હતો તે વચ્ચેથી તૂટી ગયો છે. જોકે આ ઘટનાના 24 કલાક બાદ પણ હજુ સુધી કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે અને 48 કલાક સુધી આ કામગીરી ચાલે તેવી વાત મેટ્રોના અધિકારી દ્વારા કરવામાં આવી છે. તો આ કામગીરીને લઈ હજુ 48 કલાક સુધી રસ્તો બંધ રહે તો સુરત અને કડોદરા જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે.

સુરત શહેરમાં મેટ્રોની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ત્યારે આ કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતના સારોલી ગામ નજીક ભરત કેન્સર હોસ્પિટલ પાસે ચાલી રહેલી મેટ્રો બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન વચ્ચેથી તૂટી પડ્યો છે. આ ઘટનાના 24 કલાક બાદ પણ હજુ સુધી કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે.

મેટ્રોના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ સ્પાન ઉતારવામાં નહીં આવે પરંતુ લોનચર પર જ રીપેર કરવામાં આવશે. આ ઉપરાંત અધિકારીઓ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ કામગીરીમાં 48 કલાક જેટલો સમય લાગશે. એટલે કે, 24 કલાકથી સુરત અને કડોદરાને જોડતો રસ્તો બંધ છે. તેવામાં હજુ 48 કલાક સુધી આ કામગીરીના કારણે રસ્તો બંધ રહેતા હજારો વાહન ચાલકોને અટકાવવાનો વારો આવ્યો છે.

મહત્વની વાત છે કે, મેટ્રોના પિલર નંબર 747 અને 748 વચ્ચે 30 જુલાઈના રોજ વહેલી સવારે આ સ્પાન મૂકવામાં આવ્યો હતો. બપોરના સમયે એકાએક જ આ સ્પાન વચ્ચેથી તૂટી પડ્યો હતો અને ત્યારબાદ પુણા અને સારોલી પોલીસ દ્વારા સુરત અને કડોદરાને જોડતો આ રસ્તો બંધ કરાવવામાં આવ્યો હતો. તો ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટનાના ચારથી પાંચ કલાક બાદ મેટ્રોના અધિકારી ઘટના સ્થળ પર સમીક્ષા માટે આવ્યા હતા. એટલે કે મોડી રાતે જ કામગીરી શરૂ કરવાની વાતો મેટ્રોના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ હાલ કામગીરી ખૂબ જ ધીમી ગતિથી ચાલી રહી છે અને તેના જ કારણે હજુ વધારે 48 કલાક સુધી આ રસ્તો બંધ રાખવામાં આવશે.

મેટ્રોના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ કોઈ મોટી ઘટના નથી. આ પ્રકારના હજારો સેગમેન્ટ મેટ્રોની કામગીરી દરમિયાન કરવામાં આવ્યા છે. માત્ર સામાન્ય એવી ક્ષતિ છે અને આ સ્પાન ઉતારવાના બદલે તેને ત્યાં જ રીપેર કરવામાં આવશે. મહત્વની વાત છે કે મેટ્રોના બ્રિજનો સ્પાન વચ્ચેથી તૂટી પડ્યો અને મેટ્રોના અધિકારીઓને આ વાત નાની લાગી રહી છે. જો આ ભાગ નીચે પડ્યો હોત અને વાહન વ્યવહાર શરૂ હોત તો મોટી જાનહાની થઈ શકત તેમ હોત પરંતુ મેટ્રોના અધિકારીઓના પેટનું પાણી પણ આ ઘટનાથી હલ્યું ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ ઘટનાથી સવાલો એ થઈ રહ્યા છે કે, શું કટકી બાજ કોન્ટ્રાક્ટરો અને મેટ્રોના અધિકારીઓની જે મેટ્રો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે હલકી ગુણવત્તાનો છે? શું આગામી દિવસોમાં આ બાબતે કોઈ તપાસ કમિટી બનાવીને તપાસ કરાશે કે પછી આ ઘટનાને દબાવી દેવાના પ્રયાસો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે.