જીરૂંના ભાવ તળિયે બેસી ગયા, ખેડૂતોમાં જોવા મળી નિરાશા
જામનગર: એક સમયે એવો હતો કે જામનગર યાર્ડ જીરુંના ભાવને લઈ અને ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ગત વર્ષની સરખામણીએ જામનગર યાર્ડમાં જીરુંના સૌથી સારા ભાવ મળતા હતા એટલે કે 13,000 થી માંડી 14000 સુધીની ઐતિહાસિક સપાટીએ જીરૂના ભાવ આવી ગયા હતા. પરંતુ હાલની સ્થિતિએ જીરુંના ભાવમાં મોટાપાયે કડાકો નોંધાયો છે. જેને લઇને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. હવે સરકાર જીરુંના ભાવમાં વધારો કરે તે મામલે ખેડૂતો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
જામનગર પંથકમાં ચાલુ વર્ષે ભેજવાળા વાતાવરણ ઉપરાંત વાદળછાયા વાતાવરણને પગલે જીરુંના ઉત્પાદનમાં મોટો કડાકો નોંધાયો છે. જીરુનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે. ખેડૂતોએ બેફામ મજૂરી ખર્ચ કર્યા ઉપરાંત જંતુનાશક દવાના છંટકાવ કરી અને મહામૂલા જીરાના પાકને બચાવ્યા બાદ હવે ખેડૂતો જીરૂં વેચવા તરફ આકર્ષાયા છે. જેને લઈને જામનગર યાર્ડમાં દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક જીરૂના જથ્થાની આવક નોંધાઈ રહી છે. પરંતુ આ આવકની સામે જીરુના ભાવ હાલ તળિયે બેસી ગયા હોવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ગત સીઝનમાં જીરુંના ભાવ 13,000 જેવા રહ્યા હતા. પરંતુ હાલ તેની સરખામણીએ 4000 થી 5000 રૂપિયા જેવા મણદીઠ જીરુંના ભાવ મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો ભાવ વધારાની માંગ કરી રહ્યા છે.
જીરુએ સંપૂર્ણ વાતાવરણ ઉપર નિર્ભર પાક હોવાથી વાદળછાયા વાતાવરણમાં જીરૂમાં ખાસ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે. આથી અઠવાડિયે જીરૂમાં દવાનો રાઉન્ડ લેવો પડતો હોય છે. જેને લઈને દવા પણ ખૂબ મોંઘી આવતી હોય છે. બીજી તરફ હાલ ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો આવ્યો છે અને હવે ખેડૂતો યાર્ડમાં જીરું વેચવા આવી રહ્યા છે. ત્યારે ભાવમાં ઘટાડો નોંધાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો. બીજી બાજુ ખેડૂત પાસેથી માલ વેચાયા બાદ વેપારી જ્યારે માલ વેચવા જાય છે. ત્યારે સારો ભાવ મળતો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે 9 થી 10 હજાર રૂપિયા જેવા જીરૂના ઓછામાં ઓછા ભાવ મળવા જોઈએ તો ખેડૂતોને જીરું વાવવું પરવડે તેમ છે.
શિયાળુ સીઝન શરુ થતા જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ચણા, કપાસ, જીરું સહીતના પાકની મ્બલક આવક થઇ રહી છે. જો કે સૌથી વધુ ખર્ચાળ પાક એવા જીરુંના ભાવને લઈને હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ગત વર્ષે સારા ભાવ મળતા આ વર્ષે ખેડૂતોએ જીરુંનું વધુ વાવેતર કર્યું હતું. જો કે આ વખતે જીરુંના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મૂંજાયા છે.