કાળઝાળ ગરમીથી થઈ જશો પરેશાન, હવામાન વિભાગે કરી ગરમ પવન ફૂંકાવાની આગાહી

Delhi: દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી છ દિવસ માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, કોંકણ અને ગોવામાં કાળઝાળ ગરમી અને ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે. આના કારણે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.
આ ઉપરાંત ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર-પૂર્વ ભારતના તમામ 8 રાજ્યોમાં વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોને ગરમીથી રાહત મળી શકે છે, પરંતુ આ વખતે દિલ્હી-એનસીઆરમાં ભારે ગરમી પડવાની શક્યતા છે.
દેશની રાજધાની દિલ્હી એપ્રિલના પહેલા અઠવાડિયામાં સખત ગરમીનો અનુભવ કરી રહી છે. શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં 4.4 ડિગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે 5 એપ્રિલની સવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી હતું.
આ પણ વાંચો: કેવી રીતે પ્રગટ્યા મહાકાળી મા? ઉર્દુ-ગુજરાતી અને પર્શિયન સાહિત્યમાં પણ ઉલ્લેખ… જાણો સમગ્ર ઇતિહાસ
IMD એ આગામી 7 દિવસ સુધી દિલ્હીમાં ગરમીની ચેતવણી આપી છે. તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે રહેવાની ધારણા છે. આ વખતે એવી આગાહી કરવામાં આવી છે કે દિલ્હીમાં એપ્રિલથી જૂન દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમી પડશે.