January 16, 2025

મહાલક્ષ્મીના 50 ટુકડા કરનાર આરોપીએ કરી આત્મહત્યા, લટકતી લાશ મળી

Mahalaxmi Murder Case: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મહાલક્ષ્મી હત્યા કેસના આરોપી મુક્તિ રંજન પ્રતાપ રોયે આત્મહત્યા કરી લીધી છે. સેન્ટ્રલ બેંગલુરુ ડીસીપી શેખર એચ ટેકન્નવરના જણાવ્યા અનુસાર, ઓડિશામાં તેની લાશ પંખાથી લટકતી મળી આવી હતી. નોંધનીય છે કે, મુક્તિ રંજને બેંગલુરુના મલ્લેશ્વરમ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં મહાલક્ષ્મીની હત્યા કરી હતી અને તેના શરીરના 50 થી વધુ ટુકડા કરી દીધા હતા, જે ફ્રીજમાંથી મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ મહાલક્ષ્મીની માતા અને બહેનને ત્યારે થઈ જ્યારે તેઓ શનિવારે તેમના ઘરે પહોંચ્યા હતા.

બેંગલુરુ પોલીસને માહિતી મળી હતી કે મહાલક્ષ્મીની નિર્દયતાથી હત્યા કરનાર મુક્તિ રંજન સ્થળ બદલીને ઓડિશા પહોંચી ગયો હતો. આ માહિતી પર બેંગલુરુ પોલીસની ટીમ આરોપીને પકડવા માટે ઓડિશા ગઈ હતી, પરંતુ પોલીસને તેની લાશ ફાંસીમાંથી લટકતી મળી આવી હતી. પોલીસે આરોપીને પકડવા માટે ચાર ટીમો ઓડિશા મોકલી હતી.