June 30, 2024

મહિલા કર્મચારીએ વૃદ્ધને વિશ્વાસમાં લઈને રૂ. 18 લાખનું ફુલેકું ફેરવ્યું

છેતરપિંડીમાં ભોગ બનેલા વૃદ્ધ

ડેનિસ દવે, મોરબીઃ જેનું ખાય તેનું જ ખોદે કહેવત સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. મોરબીની નાગનાથ શેરીમાં રહેતા અને કર્મકાંડ કરી જીવનનિર્વાહ કરતા વૃદ્ધનો વિશ્વાસ કેળવી પાડોશમાં જ રહેતી બેન્ક કર્મચારી મહિલાએ છેતરપિંડી આચરી હતી. આરોપી મહિલાએ રૂપિયા 18 લાખ જેવી માતબર રકમ એફડી કરાવી બાદમાં નેટબેન્કિંગ પાસવર્ડ મેળવી લઈ 18 લાખ અલગ અલગ બેંકમા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા બનાવ અંગે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.

ખાનગી બેંકમાં સેલ્સ માર્કેટીંગની નોકરી કરતી ભાવિષાબા ઝાલા નામની મહિલાએ એક બ્રાહ્મણનાં 18 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવી નાખતા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે ન્યૂઝ કેપિટલની ટીમ વૃદ્ધના ઘરે પોહચી સમગ્ર માહિતી મેળવી, ત્યારે વૃદ્ધ મુકેશભાઈના આંખમાંથી આંસુ સરી પડ્યા હતાં, ત્યારબાદ મીડિયા ટીમ બેન્ક પહોંચી હતી, જ્યાં તપાસ કરતા બેન્કના મેનેજરે જણાવ્યું હતું કે, આ મહિલાને અમે 1 વર્ષ પહેલાં બેન્કમાંથી નોકરી છોડી બરોડા જતી રહી હતી, ન્યૂઝ કેપિટલ ટીમે મહિલાનો ફોટો અથવા કોઈ પુરાવા હોય તો આપવા જણાવ્યું હતું ત્યારે મેનેજર પ્રિયંક પાસે કોઈ માહિતી હતી નહીં, ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે ખાનગી બેન્કમાં નોકરી જે વ્યક્તિ કરતા હોય તેના કોઈ પુરાવા હોય નહીં તો આવા છાસવારે બનાવ બને તો જવાબદાર કોણ ???

મોરબીની નાગનાથ શેરીમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણે પોતાની મરણ મૂડી બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવી હતી, પરંતુ પાડોશમાં રહેતી મહિલા બેંક કર્મચારીએ વિશ્વાસ કેળવી ઈન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ મેળવી 18 લાખની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી, ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબીની નાગનાથ શેરીમાં રહેતા મુકેશભાઈ મહાદેવભાઈ પંડ્યા (ઉ.વ.64) આરોપી ભાવીષાબા એસ. ઝાલા (રહે વડોદરા વાળા) વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે ફરિયાદી મુકેશભાઈ અને આરોપી ભાવીષાબા પડોશી હતી જેના કારણે એકબીજાને ઓળખતા હતા જેથી ઘરે અવરજવર થતી હતી. ભાવીષાબા ઝાલા ઈન્ડસઈન્ડ બેન્ક મોરબી ખાતે નોકરી કરતા હતા જેથી બેંક કર્મચારી તરીકે વિશ્વાસમાં લઈને મુકેશભાઈ પંડ્યાની મરણમૂડી સમાન મોટી રકમ ડીપોઝીટ કરાવી હતી. જે બેંક એકાઉન્ટની સંવેદનશીલ માહિતી (ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ) મદદ કરવાના બહાને જાણી લઈને પાસવર્ડનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરી. તા. 04-08-2023 થી તા. 08-08-2023 દરમિયાન મુકેશભાઈની ફિક્સ ડિપોઝિટમાં રહેલ નાણા પૈકી રૂ. 18 લાખ તેની જાણ બહાર અલગ અલગ બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી, ઉચાપત કરી બેંક કર્મચારી તરીકે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને આરોપી બેંક કર્મચારી વિરુદ્ધ આઈપીસી કલમ 409, 420 અને આઈ.ટી.એક્ટ 2000 ની કલમ 66 (સી), 66 (ડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.