દાહોદ જમીન વિવાદ પર ગુજરાત હાઇકોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો
જયેશ ચૌહાણ, અમદાવાદ: દાહોદ જિલ્લામાં ખેડૂત નહીં હોવા છતાં પણ NA થયેલી જમીન ખરીદવાના વિવાદમાં મામલતદાર દ્વારા અપાયેલી નોટિસોને પડકારતી અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ નિખિલ કરિયલની બેંચમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારી અધિકારીઓનો ઉધડો લીધો હતો.
હાઈકોર્ટે સરકારી તંત્રને ફટકાર લગાવતા સવાલ કર્યા હતા કે મહેસૂલ પોર્ટલ પર જમીન NA થયેલી રેકર્ડ પર બતાવે તો જમીન ખરીદનાર સામે નોટિસ કેવી રીતે કાઢી શકાય. જો સરકારી કચેરીમાં જ ખોટું થયું હોઈ તો તમે સરકારી અધિકારી સામે શું કાર્યવાહી કરી એ જણાવો. જો બિનખેતી કેસમાં જો SDM, મામલતદાર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી નહી કરવામાં આવે તો કલેકટરને પણ નોકરી ગુમાવવી પડશે.
કોર્ટે જવાબદાર અધિકારીઓ સામે શું પગલા લેવાના છો એ અંગે સરકારને એફિડેવિટ સ્વરૂપે રજૂ કરવાના આદેશ સાથે વધુ સુનાવણી 15 જુલાઈના નિયત કરી છે. નકલી NA હુકમ કૌભાંડ બાદ મામલતદારે 9 લોકો સામે નોટિસ કાઢી હતી જેથી નોટિસ મળ્યા બાદ 8 લોકો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે.