July 7, 2024

CM હાઉસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, સરકાર ગેમિંગ ઝોનને લઈને લાવશે નવી ગાઈડલાઈન

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજકોટના ટીઆરપી મોલમાં શનિવારે સાંજે લાગેલી આગમાં 28 થી વધુ લોકોના મોત થયા છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. કારણ કે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારનો બેઠકોનો દોર ચાલ્યો હતો. જ્યાં રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને વહેલી સવારે જ બેઠક બોલાવી હતી. બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ બેઠકમાં રાજ્ય સરકાર આવનારા દિવસોમાં આ પ્રકારની ઘટના રાજ્યમાં ફરી ના થાય તેને ધ્યાનમાં રાખીને નવી ગાઈડ લાઈન બહાર પાડશે. આ ગાઈડલાઈન ની અંદર કેવા પ્રકારના નીતિ નિયમો હોવા જોઈએ તેને લઈને મનોમંથન કરવામાં આવ્યું હતું.

વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
રાજકોટના ટીઆરપી મોલના ગેમીંગ ઝોનના અગ્નિકાંડ બાદ સોમવારે ગાંધીનગર ખાતે એક પછી એક બેઠકનો દોર જોવા મળ્યો હતો. સવારે જ મુખ્યમંત્રીએ તેમના નિવાસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જો કે મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ગેમ ઝોન મુદ્દે નવા નીતિ નિયમો બનાવવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જોકે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગેમ ઝોન માટે નવા નીતિ નિયમોને લઈને મનોમંથન કરીને નવી ગાઈડ લાઈન તૈયાર કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: Rajkot અગ્નિકાંડ: HCએ કહ્યું અધિકારીઓની નજર હેઠળ ગેમ ઝોન ચાલતું હતું

મંજૂરી આપવામાં આવશે
હાલ રાજ્ય સરકાર દ્વારા તમામ ગેમ ઝોન ઉપર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં આગળ ફાયર સેફટી કે એનઓસી નો હોવાના કારણે પ્રાથમિક ધોરણે આ તમામ ગેમ ઝોન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આવનારા સમયમાં જ્યારે નવું ગેમ ઝોન શરૂ થશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા નીતિ નિયમોને લઈને મંજૂરી આપવામાં આવશે. જોકે રાજ્ય સરકાર હાલ નવી ગાઈડ લાઈન તૈયાર કરી રહ્યું છે. સંપૂર્ણ ગાઈડ લાઈન તૈયાર થઈ ગયા બાદ આગામી ચોમાસા સત્ર દરમિયાન રાજ્ય સરકાર ગેમિંગ ઝોન મામલેનું બિલ વિધાનસભામાં રજૂ કરીને મંજૂર કરશે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આજની બેઠકમાં એવો પર નિર્ણય કરવામાં આવ્યો છે કે ભવિષ્યમાં રાજ્યમાં ક્યાંય પણ ગેમીન ઝોન શરૂ કરવું હશે તો ત્યાં જિલ્લાના કલેક્ટર સહિત પોલીસ કમિશનરની ફરજિયાત પણે મંજૂરી લેવી પડશે અને મંજૂરી રહેતી વખતે પ્રજાની સેફટી માટેના તમામ વ્યવસ્થાઓ ગેમ ઝોનના સંચાલકોએ વ્યવસ્થા ઉભી કરવી જોઇએ.