November 23, 2024

સાણંદ GIDCમાં પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલ વિકરાળ આગ ભારે જહેમત બાદ કાબૂમા આવી

મિહિર સોની, અમદાવાદ: સાણંદ GIDC ખાતે સાજે 7:00 વાગ્યા ના સુમારે પ્લાસ્ટિકના દાણા બનાવતી મેકીંગ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી કે જે ક્રિષ્ન લીલા હોટલની પાછળ સાણંદ GIDC ખાતે આવેલ છે. જેમા અચાનક વિકરાળ આગ ફાટી નીકળવાનો બનાવ બન્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ આગના બનાવમાં આ ફેક્ટરીમાં રાખવામા આવેલ પ્લાસ્ટિકના દાણાનુ રોમટીરીયલ, મશીનરી, ફીનીશ ગુડ્સ, તૈયાર માલ તથા ફેક્ટરીની ઈમારતને ગંભીર નુકસાન થયું છે.

3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી
આગ લાગ્યાની જાણ થતા સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પોતાની ફાયર સર્વિસ, તથા ટાટા મોટર્સની તેમજ અમદાવાદ ફાયર બ્રિગેડના કુલ પાંચ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવા મા આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા લાંબા સમયથી સાણંદ નગરપાલિકાના ફાયરના વાહનો ટેકનીકલ ખામી અને સ્ટાફના અભાવે બંધ હાલતમાં હોવાથી સાણંદ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં બનતી આગની અવાર-નવાર ઘટના સમયે આગ બુઝાવવાની આવશ્યક સેવાઓ સ્થાનિક લેવલે નહી મળતા ,સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઊભી કરવામા આવેલ મર્યાદિત ફાયર સર્વિસથી કામ ચલાવવામા આવી રહેલ છે.

વધારે વિકરાળ આગના બનાવોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર સર્વિસ પહોંચાડવામાં દોઢથી બે કલાકનો સમય લાગી જતો હોવાથી આગના બનાવના સમયે જે તે ઔદ્યોગિક એકમને ખૂબ જ મોટા પ્રમાણ મા નુકસાન ભોગવવાનો વારો આવે છે.

સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન પોતાની અત્યાધુનિક ફાયર સર્વિસ પણ ઊભી કરવા માટે જમીન સંપાદન થઈ ગઈ હોવા છતા તેમજ ફાયર સ્ટેશન ના બાંધકામને લગતી અન્ય તૈયારીઓ પણ પુરી થયેલ હોવા છતા GIDC પાસે પુરતી નાણાંકીય જોગવાઇ નહી હોવાથી બજેટ ફાળવવા મા આવતુ નથી અને નવુ ફાયર સ્ટેશન બનાવવાનુ કાર્ય ખોરંભે ચડેલ છે.

ભૂતકાળમાં ગુજરાત રાજય સરકારના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવવા માટે 40% ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી 40% જેતે GIDC તથા 20% ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ખર્ચ ના રકમની જોગવાઇ કરી જેતે ઔદ્યોગિક એકમ વિસ્તાર મા ફાયર સર્વિસ બનાવવા માટે સરકાર દ્વારા બનાવેલ આ યોજના અભરાઈએ ચડાવી દેવા મા આવેલ છે તેમ જાણવા મળેલ છે.

આગ અકસ્માત ના બનાવો સમયે સમયસર અગ્રિમતા ના ધોરણે ફાયરની સેવાઓ ત્વરિત પુરી પાડવા મા રાજય સરકાર સાથે સંકલન નો અભાવ અને GIDC સત્તા તંત્ર દ્વારા દાખવવા મા આવતી સદંતર નિષ્ક્રિયતા ને પરીણામે ઔદ્યોગિક એકમોને આગ અકસ્માત ના સમયે સમયસર સેવાઓ નહી મળતા જે સમસ્યાઓ નો સામનો કરવો પડે છે તેને પરિણામે ઔદ્યોગિક એકમ ના માલિકો મા રોષ ની લાગણી ઉશ્કેરાટ ઊભી થયેલ છે.