ડોક્ટરોએ મૃત જાહેર કર્યા બાદ ભાજપ નેતા ફરી જીવતા થઇ ગયા
બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ જીએમસીએચમાં રવિવારે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં બીજેપી નેતા કૌશલેન્દ્ર કુમાર સિંહ (35 વર્ષ)ને મૃત જાહેર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો કૌશલેન્દ્ર કુમાર સિંહને લઈને પોસ્ટમોર્ટમ રૂમ તરફ જવા રવાના થયા હતા. મૃતદેહના પોસ્ટમોર્ટમની તૈયારીઓ શરૂ થઈ હતી તે દરમિયાન તેના પલ્સ એક્ટિવ હોવાની હલનચલન જોવા મળી હતી. પલ્સ એક્ટિવ હોવાની જાણ થતાં ત્યાં અફરા-તફરી મચી ગઇ હતી.
બ્રેઈન ડેડની હાલતમાં છે દર્દી
મૃત્યુ પર શોક થયેલા પરિવારજનોને દર્દી જીવિત હોવાની માહિતી મળતા જ પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને દર્દીને તાત્કાલિક ICUમાં ફરીથી વેન્ટીલેટર પર દાખલ કરવામાં આવ્યા હતા અને CPR પણ આપવામાં આવ્યું હતું. હોસ્પિટલની માહિતી અનુસાર ભાજપના નેતા બ્રેઈન ડેડ હાલતમાં છે. હાલ તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોની આખી ટીમ દર્દીની દેખરેખમાં છે. હાલ ડોક્ટરો દર્દીની સ્થિતિ અંગે કંઈ કહેવા તૈયાર નથી અને જવાબ આપવાનું ટાળી રહ્યાં છે.
બૈરિયા ભાજપ મંડળના પ્રમુખ રોડ અકસ્માતમાં ઘાયલ
નોંધનીય છે કે શનિવારે બૈરિયા બીજેપી મંડળના પ્રમુખ કૌશલેન્દ્ર કુમાર સિંહ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી અનુસાર કૌશલેન્દ્ર કુમાર સિંહ તેમના ગામ લૌકરિયાથી બાઇક પર બૈરિયા બ્લોક હેડક્વાર્ટર તરફ જઈ રહ્યા હતા અને બરગાછીયા ગામ પાસે સામેથી આવતી કારે તેમના બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇકને નુકસાન થયું અને તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગ્રામજનોની મદદથી તેને બૈરિયા પીએસસીમાં લાવવામાં આવ્યા હતા ત્યાંથી ડોક્ટરોએ તેને બેતિયા જીએમસીએચમાં ખસેડવામાં આવ્યાં હતા. જીએમસીએચ તેમની સારવાર ચાલી રહી છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જો કે હાલત નાજુક હોવાનું કહેવાય છે.