October 5, 2024

Rath Yatra 2024: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે 251મી રથયાત્રા નીકળી

યોગીન દરજી, ખેડા: અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા ખૂબ જૂની છે. ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પણ છેલ્લા 251 વર્ષથી રથયાત્રા નીકળે છે.

આજે અષાઢી બીજ અને પુષ્ય નક્ષત્રનો સંયોગ છે ત્યારે યાત્રાધામ ડાકોરમાં પણ સવારે 9:00 વાગ્યાથી રથયાત્રાનાના શ્રી ગણેશ થયા હતા.

મહત્વની બાબત છે કે છેલ્લા 250 વર્ષથી યાત્રાધામ ડાકોરમાં રથ નીજ મંદિરમાં લઈ જવામાં આવતો હતો. જ્યાંથી ભગવાન રથમાં વિરાજમાન થતા હતા. પરંતુ આ વર્ષે પરંપરા બદલાઈ અને નિજ મંદિરના બદલે ભગવાન મંદિર પરિસરમાં આવી રથમાં બિરાજ્યા હતા.

ભગવાન મંદિરની બહાર નીકળતા જ જય રણછોડ માખણ ચોરના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ભક્તોએ ભગવાનનો રથ ખેંચવા માટે જાણે કે રીતસરની દોડ લગાવી હતી. મંદિર પરિસરમાં 11 ફેરા ફર્યા બાદ ભગવાનનો રથ મંદિરની બહાર નીકળ્યો હતો. તમામ વિધિ પૂર્ણ કરતા અંદાજિત દોઢ કલાક જેટલો સમય થયો હતો. જેથી સવારે 10:30 બાદ ભગવાન નારા મંદિરની બહાર નીકળ્યા હતા.